તા.૨૫/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ શહેરમાં ૨૯ જુલાઇએ ઉજવાતા તાજીયા મહોરમના તહેવાર દરમ્યાન ટ્રાફીક નિયમન તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવે નીચે મુજબના પ્રતિબંધાત્મક આદેશો લાગુ કર્યા છે.
બેઠક સહિત નવ ફુટ કરતા વધારે ઉંચાઇના તાજીયા બનાવી, વેચી કે જાહેર માર્ગ ઉપર પરિવહન કરી નહીં શકાય. નિયત કરેલ સ્થળ સિવાય અન્ય સ્થળ પર તાજીયા નહીં મુકી શકાય. જે સ્થળે તાજીયા બનાવવાની તથા વેચાણની કામગીરી થતી હોય તે સ્થળની આજુબાજુ તથા નજીકમાં કોઇ પણ પ્રકારની ગંદકી કે કોઇ પણ પ્રકારના તાજીયા રોડ ઉપર જાહેરમાં ટ્રાફીકને અડચણ થાય, તે રીતે કે કોઇ પણ તાજીયાઓને બિનવારસી હાલતમાં નહીં મુકી શકાય.
આ ઉપરાંત, કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇપણ પ્રકારના ચિન્હો કે નિશાનીવાળા તાજીયાઓ બનાવવા, ખરીદવા તથા વેચાણ કરવા ઉપર તેમજ ધાર્મિક લાગણી દુભાય એવા કોઇપણ પ્રકારના વર્તન કરવા પર પ્રતિબંધ છે. પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર નીકળવા પર મનાઈ રહેશે. રાત્રીના ૧૦ કલાકથી સવારના ૦૬ કલાક સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે.
આ આદેશ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રીની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. ૨૮/૦૭/૨૦૨૩ના રાત્રે ૧૨ કલાકથી તા. ૩૧/૦૭/૨૦૨૩ના સવારે ૦૬ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.








