
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ અનેક ગ્રુપ ગ્રામ પંચાયતોમાં આજરોજ 5મી જૂને વિવિધ એજન્ડાઓને લઈને ગ્રામસભાઓ યોજાઈ હતી.ડાંગ જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયતનો દરજ્જો ધરાવનાર આહવા ગ્રામ પંચાયતની ગ્રામ સભા પણ આજરોજ ગ્રામ પંચાયત આહવાની કચેરીએ યોજાઈ હતી.જે ગ્રામસભામાં વિવિધ મુદાઓ રજૂ કરવામાં આવ્યા હતા.પરંતુ આહવા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં તાલુકા વિકાસ અધિકારી, પાણી પુરવઠા વિભાગ,વન વિભાગ, પ્રધાનમંત્રી આવાસ યોજના વિભાગ, ખેતીવાડી વિભાગ તથા મામલતદાર પુરવઠા વિભાગનાં એક પણ અધિકારીઓ હાજર ન રહેતા હોબાળો મચ્યો હતો.અનેક વિભાગોની સમસ્યાઓનાં મુદા હોય તથા હાલમાં ઉનાળાનાં આખર મહિનામાં આહવા નગરમાં તીવ્ર પાણીની સમસ્યા છે.તેવામાં પાણી પુરવઠાનાં અધિકારીઓ પણ ઉપસ્થિત ન રહેતા ગ્રામજનો રોષે ભરાયા હતા.ડાંગ જિલ્લાનાં આહવા ગ્રામ પંચાયતનાં ગ્રામજનોનાં જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી યોજાઈ રહેલ ગ્રામસભાની મીટિંગમાં વિવિધ વિભાગોનાં અધિકારી હાજર રહેતા નથી.જેથી જે તે સમસ્યાઓ પડતર રહેવા પામે છે અને કોઈ ઉકેલ આવતો નથી. આજરોજ આહવા નગરની ગ્રામસભામાં અધિકારીઓની સૂચક ગેરહાજરીનાં પગલે ગ્રામજનોએ વિરોધ નોંધાવી ગ્રામસભાને બરખાસ્ત કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો..





