ભારતમાલા માટે ખોટો ફિઝિબિલિટી રિપોર્ટ બનાવ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ

ગાંધીનગર : ભારત માલા યોજના હેઠળનો થરાદ અમદાવાદ એક્ષપ્રેસ હાઈવે ફરી વિવાદોમાં ઘેરાયો છે.આજે ગાંધીનગર જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામા આવેલ છે.જેમાં હાઇવે ઓથોરિટી દ્વારા મોટા પ્રમાણમાં છબરડા કરવા બાબતેની રજૂઆતો કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાની જમીન જે ગ્રીનબેલ્ટમાં સમાવેશ પામેલી છે તથા ખૂબ જ ફળદ્પ અને પાણીના સ્તર સારા હોવા છતાં જમીન અધિગ્રહણ કાયદા પ્રમાણે જ્યાં સુધી બિન ઉપજાઉ તેમ જ ભૂગર્ભ જળ નહિવત હોય તેવી જમીન હોય ત્યાં સુધી ઉપજાઉ જમીનનો ઉપયોગ રોડ બનાવવા માટે ના કરવો જોઈએ તે પ્રમાણેની કાયદા માં જોગવાઈ હોવાથી સરકારી નિયમો પ્રમાણે આ વિસ્તારમાંથી રોડ માટે મંજૂરી મળે તેમ ના હોવાને કારણે હાઇવે ઓથોરિટીએ આ ઉપજાઉ જમીનને બિનઉપજાઉ બતાવી ને ખોટો ફિઝીબીલીટી રિપોર્ટ બનાવી સરકારી મંજૂરી મેળવેલી હતી તેવા ખેડૂતો દ્વારા આક્ષેપ થયા છે તથા સદર ફિઝીબિલિટી રિપોર્ટ વિરૃદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી છે.
એક વર્ષ અગાઉ ઓગસ્ટ, ૨૦૨૨માં ભારત માલા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં નિયમ અનુસાર આગળ પ્રોસેસ ના કરવામાં આવે તો એક વર્ષ બાદ આપોઆપ તે રદ્દ થયેલું ગણાય તેવી જમીન અધિગ્રહણ કાયદા માં જોગવાઈ હોવાથી ગાંધીનગર જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂત સમિતી દ્વારા કલેકટરને આવેદન આપી આ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા છે.તેમ છતાં જો ખેડૂતોની રજૂઆતો ને ધ્યાને લેવામા નહિ આવે તો આગામી સમય માં જલદ આંદોલનો કરવા પણ ખેડૂતોએ તૈયારી દર્શાવી છે.ખેડૂતોનો લડાયક મિજાજ હજુ ઓસર્યો નથી.ખેડૂત સમિતી ના આગેવાનો દ્વારા ધજીવ આપીશું પણ જમીન નહિ ધના સૂત્ર ને વળગી રહી ને કોઈ પણ ભોગે પોતાની મહામુલી જમીન નહિ આપવાની ચીમકી ઉચ્ચારાઇ છે જે દર્શાવે છે કે પોતાની જીવા દોરી સમાન જમીન કાજે ખેડૂતો અંતિમ શ્વાસ સુધી લડી લેવા ના મૂડ માં છે.










