
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લા માં મતદાર જાગૃતિ માટે આરોગ્ય વિભાગ અગ્રેસર
લોકશાહી ના અવસરને વધાવી લેવા અને મતદાન વધારવા મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર ના સહયોગ માટે તબીબો અને કેમિસ્ટ એકસૂરે સંમત.
લોકસભા સામાન્ય ચૂંટણીમાં મહીસાગર જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર નેહાકુમારીના માર્ગદર્શનમાં જિલ્લામાં વધુને વઘુ મતદાન થાય તે હેતુસર સ્વીપ ઇવેન્ટ અંતર્ગત અનેકવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જેના ભાગરૂપે મહીસાગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના IMA સભ્યો જનરલ પ્રેકટીશનર,આયુષ એસોસીયેશન અને કેમીસ્ટ એસોસીયેશન સભ્યોની બેઠક લુણાવાડા સોનેલા ખાતે હોટલ ફોર સીઝનના હોલમાં યોજાઇ હતી.
આ મિટિંગમાં જિલ્લા કલેક્ટર નેહાકુમારી અને જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ દ્વારા થયેલ ચર્ચા વિચારણામાં મતદાનની ટકાવારી વધારવા સૌના ઉપયોગી સૂચનોને વધાવી લઈ લોકશાહીના અવસરની ઉત્સાહભેર ઉજવણી કરવા એકસુરે સંમત થયા હતા. વધુમાં તેમણે આગામી ૭મી મેના રોજ અવશ્ય મતદાન કરી અને કરાવી લોકશાહીના આ અવસરને સાર્થક કરવા ખાસ અપીલ કરી હતી.તેમણે આ અંગે તબીબોના સહયોગ ની અપેક્ષા વ્યક્ત કરી હતી.સાથે સાથે સ્વીપના પોસ્ટર દરેક દવાખાને તથા મેડીકલ સ્ટોર પર લગાડવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રોબેશનલ આઈ.એ.એસ મહેંક જૈન, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સી આર પટેલ, જાણીતા તબીબો,કેમિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા.