Rajkot: લોકસભા ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત રાજકોટ સંસદીય વિસ્તારમાં ૧૫ દિવસની સઘન મતદાર જાગૃતિ ઝુંબેશ હાથ ધરાઈ

તા.૧/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રૂબરૂ બેઠક, કેમ્પસ એમ્બેસેડર, ફ્લેશમોબ, ચુનાવ પાઠશાલા, સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર્સ સહિત અનેક કાર્યક્રમો યોજાયા
સાત વિધાનસભા મતવિસ્તારના આશરે ૯૦ હજારથી વધુ લોકોને પ્રેરિત કરવામાં આવ્યા
Rajkot: ૧૦ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૭મી મેના રોજ મતદાન યોજાનાર છે. રાજકોટ વિસ્તારના વધુને વધુ મતદારો ચૂંટણીના આ મહાપર્વમાં મતદાન કરી સહભાગી બને તે માટે સ્વીપ દ્વારા ૧૫ દિવસની સઘન મતદાર જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ સંસદીય મતવિસ્તારમાં મતદારો સાથે ૪૫ રૂબરૂ બેઠક યોજાઈ હતી, જેમાં ૬૬- ટંકારા મતવિસ્તારમાં-૨, ૬૭- વાંકાનેર મતવિસ્તારમાં ૧૧, ૭૧- રાજકોટ ગ્રામ્યમાં ૫,૭૨- જસદણમાં ૩, ૭૩- ગોંડલમાં ૧૫, ૭૪- જેતપુરમાં ૪, ૭૫- ધોરાજીમાં ૩ અને જિલ્લા કક્ષાની ૨ એમ કુલ ૪૫ બેઠક દ્વારા ૨૧૩૨ લોકોનો જનસંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓને મતદાન પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા.

આ સાથે જ તંત્ર દ્વારા વિવિધ સંસ્થાઓ- દુકાનો સાથે ૨૩ બેઠક યોજી જિલ્લાની કુલ ૫૧ દુકાનો અને સંસ્થાઓ પર મતદાન કરનારને ખરીદી પર ડિસ્કાઉન્ટ જેવી પહેલ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ટંકારા વિસ્તારમાં ૧, રાજકોટ ગ્રામ્યની ૪,જસદણની ૯,ગોંડલની ૧૫, જેતપુરની ૧૬ અને ધોરાજીની ૬ દુકાનો અને સંસ્થાઓ મતદારોને ડિસ્કાઉન્ટ આપશે.

આ પંદર દિવસની સઘન ઝુંબેશમાં તંત્ર દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે પણ ત્રણ બેઠક યોજવામાં આવી હતી. જેમાં ૪૪ જેટલા ઇન્ફ્લુએન્સરોએ જોડાઈને રીલ બનાવીને લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. યુવા મતદારોને પ્રથમ વખત મતદાન કરીને ઉત્સાહભેર લોકશાહીના આ પર્વમાં જોડવા માટે ઇલેક્શન કમિશન દ્વારા કેમ્પસ એમ્બેસેડરની ઓનલાઈન બેઠક યોજાઇ હતી. જેના દ્વારા ૮૭ કેમ્પસ એમ્બેસેડરની નિમણૂંક કરી દરેક કેમ્પસના યુવા મતદારોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. જેમા ટંકારામાં ૪,રાજકોટ ગ્રામ્યમાં ૧૨, જસદણમાં પ,ગોંડલમાં ૩, જેતપુરમાં ૬, ધોરાજીમાં ૪ અને જિલ્લા કક્ષાએ ૫૩ કેમ્પસ એમ્બેસેડર આ કાર્યક્રમમાં જોડાઈને યુવા મતદારોની જાગૃતિના પ્રણેતા બન્યા હતા.

વધુમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ૧, જસદણમાં ૨, ગોંડલમાં ૨, જેતપુરમાં ૧, ધોરાજીમાં ૧ અને જિલ્લા કક્ષાએ ૨ એમ કુલ ૯ ફ્લેશ મોબ યોજી ૯,૩૨૫ લોકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા દરેક વિસ્તારમાં જઈને મતદારોને તેમના મતદાન મથક વિશેની માહિતી સાથે “ચુનાવ પાઠશાલા કાર્યક્રમ” યોજી મતદાનની પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપવા માટે સંસદીય મતવિસ્તારમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં ટંકારા વિસ્તારના ૨૨૫૦, વાંકાનેરના ૧૯૫૧, રાજકોટ ગ્રામ્યના ૨૨૭૪૦ ,જસદણના ૧૪૧૯૦, ગોંડલના ૯૩૨૦, જેતપુરના ૧૧૮૦૦ અને ધોરાજીના ૧૬૨૨૫ એમ કુલ ૭૮૪૭૬ મતદારોએ મતદાન વિષે પ્રશિક્ષણ મેળવ્યું હતું.
આ ઉપરાંત જસદણ વિધાનસભા મતવિસ્તારમાં રામેશ્વર ધામ ખાતે વરિષ્ઠ(વૃદ્ધ)મતદારો માટે, વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે વ્યાપારીઓ માટે તથા એ.જી.કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ખાતે કર્મચારીઓ માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા જેમાં કુલ ૧૦૩૦ લોકો જોડાયા હતા. તો ૭૩- ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં મતદાર જાગૃતિ નાટક અને રેલીમાં કુલ ૩૭૫ લોકો, ૭૪- જેતપુર વિધાનસભાના અંતરિયાળ વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ૫૨ લોકો, ૭૫- ધોરાજી મતક્ષેત્રમાં ગ્રામ્ય વિસ્તારમાં નાટક, પટેલ એગ્રી એક્સ્પો એન્ડ નટ બટ ધોરાજી તેમજ ઝેપોલી બેકરી ધોરાજી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમોમાં કુલ ૩૯૦ અને ૭૧- રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં મતદાર જાગૃતિ કાર્યક્રમમાં કુલ ૧૪૦ લોકો જોડાયા હતા. જિલ્લા કક્ષાએ મતદાન જાગૃતિ ફેલાવવા વિવિધ એનજીઓ સાથે પણ બેઠક યોજી ૧૯ સંસ્થાના ચેરમેન/પ્રમુખને આ અભિયાનમાં જોડવામાં આવ્યા હતા. આ સઘન ઝુંબેશ દ્વારા ૧૦- રાજકોટ સંસદીય મતવિસ્તારના આશરે ૯૦૦૬૪ મતદારોને રૂબરૂથી લઈ કાર્યક્રમો દ્વારા સાંકળી લેવામાં આવ્યા છે તેમજ તેમને મતદાનના મહત્વથી અવગત કરવામાં આવ્યા હતા તેમ અધિક કલેકટર તથા સ્વીપના નોડલ અધિકારીશ્રી જિજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.








