તા.૧૮/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
મીડિયા મોનીટરીંગ કમિટીના સભ્યો સાથે બેઠક યોજતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
Rajkot: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પ્રભવ જોષીએ કોઇ પણ પ્રકારના પેઇડ ન્યુઝ માટે તમામ મીડિયાનું કડક નિરીક્ષણ કરવા મીડિયા મોનીટરીંગ કમિટીના સભ્યોને તાકીદ કરી હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી સોશ્યલ મીડિયા મોનીટરીંગ કમિટી અને મીડિયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટીના નોડલ ઓફિસર તથા સભ્યો સાથેની બેઠકમાં આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવા કલેટકરશ્રીએ સૂચના આપી હતી. સોશ્યલ મીડિયાના કોઇ પણ ફોર્મેટમાં જોવા મળતા સમાચારો કે જેમાં આચારસંહિતાનો ભંગ થતો જણાય તો સત્વરે આ બાબતે જિલ્લા ચૂંટણીતંત્રનું ધ્યાન દોરવા અને જરૂરી પગલાં લેવા સંબંધિત સભ્યોને કલેકટરશ્રીએ જણાવ્યું હતું.
અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે.મુછારે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી સોશ્યલ અને પ્રિન્ટ તથા ઇલેકટ્રોનિક મીડિયા માટેના આદર્શ આચારસંહિતાની જોગવાઇઓ વિષે ઝીણવટભર્યું માર્ગદર્શન આપ્યું હતું. પ્રશ્નોત્તરીના માધ્યમથી પણ શ્રી મુછારે મીડિયા મોનીટરીંગ વિષે સમજ આપી હતી. રાજકીય પક્ષોના માન્ય ઉમેદવારોના નોમીનેશન ફોર્મ ભરાયા બાદ મીડિયા દ્વારા થનારા સંભવિત પ્રચાર પર ધ્યાન રાખવા આ બેઠકમાં ખાસ આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. તથા પેઇડ ન્યુઝ ધ્યાને આવ્યા બાદ કરવાની થતી પ્રક્રિયા વિષે અને આ ચૂંટણીમાં પેઇડ ન્યુઝ અંગે નવી ઉમેરાયેલી બાબતો વિષે પણ ઉપસ્થિતોને માહિતગાર કરાયા હતા.
કલેકટરશ્રી પ્રભવ જોષીએ કલેકટર કચેરી ખાતે કાર્યરત કરાયેલ એમ.સી.એમ.સી. કંટ્રોલ રૂમ, C – VIGIL તથા આચારસંહિતા ભંગની ફરિયાદ માટેના કંટ્રોલરૂમની પણ મુલાકાત લીધી હતી, અને ધ્યાનપૂર્વક કામગીરી કરવા ટકોર કરી હતી.
આ બેઠકમાં મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટીના સભ્ય અને પ્રાંત અધિકારીશ્રી ચાંદની પરમાર, નોડલ ઓફિસરશ્રી સોનલ જોષીપુરા, અન્ય સભ્યો શ્રી હિતેષ માવાણી(આકાશવાણી), શ્રી નમ્રતા નથવાણી(જિલ્લા આઇ.સી.ટી.ઓફિસર), શ્રી જગદીશભાઇ સત્યદેવ(સ્વતંત્ર સભ્ય) તથા સોશ્યલ મીડિયા મોનીટરીંગ કમિટીના સભ્યોશ્રી પલ્લવ કેંડુરકર, શ્રી મનોજ વર્મા(એ.જી.એમ.બી.એસ.એન.એલ.) નાયબ મામલતદારશ્રી દુષ્યંતસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહયા હતા.








