CM ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો કરાવ્યો પ્રારંભ

અમદાવાદ હાલ ફૂલાવર શો, પુસ્તક મેળાના આયોજનથી ઉત્સવના રંગમાં રંગાઇ ગયું છે. ત્યારે હવે આજે રાજ્યના મુખ્યમંત્રીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. આ પતંગ મહોત્સવમાં 155 આંતરરાષ્ટ્રીય સહિત 1 હજારથી વધુ પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.
14 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ-વલ્લભ સદન ખાતે યોજાનારા આ પતંગ મહોત્સવમાં 55 દેશના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતના 23 શહેરના 855 પતંગબાજોએ ભાગ લીધો છે. આ પતંગ મહોત્સવમાં પતંગબાજો વિવિધ પ્રકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે. આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પતંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પતંગ મહોત્સવનું 8મીએ વડોદરા, 9મીએ કેવડિયા-દ્વારકા, 10મીએ સુરત-રાજકોટ, 11મીએ ધોરડો-વડનગરમાં પણ આયોજન કરવામાં આવશે.






