

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૫/૦૮/૨૦૨૩
૧૫ મી ઓગસ્ટ નો ભારતનો ૭૮ મો સ્વતંત્રતા દિવસ સમગ્ર દેશમાં ખૂબ જ આનંદ ઉલ્લાસના વાતાવરણમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે નેત્રંગ તાલુકામાં પણ વિવિધ સરકારી-અર્ધસરકારી, શૈક્ષણિક સંકુલ, શાળા-કોલેજો, સંસ્થાઓ ખાતે ૭૭માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી.
આઝાદીના ૭૬ વર્ષ પૂરા થતા સમગ્ર દેશમાં છેલ્લા બે વર્ષથી આઝાદી કા અમૃત મહોત્સવના નામે સ્વતંત્રતા દિવસ તેમજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે ભારતની આઝાદીના ૭૭ માં વર્ષે સમગ્ર દેશમાં એક પ્રકારનું દેશ પ્રેમનું મોજુ ફરી વળ્યું હોય તેવું વાતાવરણ સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે વર્તમાન સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે તિરંગા રેલી ,મશાલ રેલી, મારી માટી… મારો દેશ… જેવા બેનરો સાથે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત નેત્રંગ ખાતે તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા મૌઝા ખાતે મામલતદાર અનિલભાઇ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત શાળા પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. તેમજ તાલુકાની વિવિધ સરકારી-અર્ધસરકારી, શૈક્ષણિક સંકુલ, શાળા-કોલેજો, સંસ્થાઓમાં ૭૭માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી.








