
ડેડીયાપાડા પોલીસે અર્ટિકા કારમાંથી ૨.૪૦ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો : ભાજપના યુવા નેતાની સંડોવણી બહાર આવી
દેડીયાપાડા ભારતીય જનતા પાર્ટીના તાલુકા યુવા મોરચાના મહામંત્રી અને એક અન્ય ઇસમની અટકાયત
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં હાલમાંજ વડોદરા રેન્જ આઇજી સંદીપ સિંહ દ્વારા જિલ્લાના પોલીસ મથકોની મુલાકાત લઇ નર્મદા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ અંકુશમાં હોવાનો ચિતાર રજૂ કર્યો હતો, અને જીલ્લામા પોલીસ સતર્કતાથી કામ કરતી હોવાનું જણાવ્યું હતું, ત્યારે વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે નર્મદા જિલ્લામાં ઘુસાડાતો હોવાનો દેડીયાપાડા પોલીસને જાણવા મળતા પોલીસ એકદમ એલર્ટ મોડમાં એક્શનમાં આવી હતી ત્યારે મોડી રાત્રિના એક અરટીગા કાર ઝડપી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા દારૂના વેપલા સાથે સંકળાયેલા બુટલેગરોમાં ભારે ફાફડાટ ફેલાયો છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતિ અનુસાર તારીખ ૨૩ મી ના રાત્રિના ૩:૩૦ વાગ્યાના સુમારે નર્મદા જિલ્લાના દેડીયાપાડાના બયડી ગામ થી મગરદેવ તરફ જવાના માર્ગે દેડીયાપાડા પોલીસને બાતમી મળી હતી કે એક અરટિગા કારમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય થઈ રહ્યો છે ત્યારે દેડીયાપાડા પીઆઇ પ્રકાશ પંડ્યા સહીત સ્ટાફના જવાનો વોચ ગોઠવી હતી અને જેવી GJ 22 A 3554 નંબરની કાર આવતાં આ કારને ઉભી રાખી તેની તપાસ લેતા તેમાંથી વિદેશી દારૂના પ્લાસ્ટિકના કવાટરિયા મળી આવ્યા હતા. આ જોઈ પોલીસ ચોકી ગઈ હતી. પોલીસે કારમાં સવાર બે યુવકોને ઝડપી પાડ્યા હતા જેમાં દેડીયાપાડા તાલુકા ભાજપના યુવા મોરચાના મહામંત્રી ૧. અજય ચેતરભાઈ વસાવા રહે. સોલિયા તા. દેડીયાપાડા અને ૨. સંતોષ હરિલાલ વસાવા રહે. સોલિયા તા.દેડીયાપાડા નાઓને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે કારમાંથી રૂપિયા ૨.૪૦ લાખના વિદેશી દારૂના ૨૪૦૦ નંગ પ્લાસ્ટિકના કવાટરીયા, રૂ.૯૦,૦૦૦/- ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન, અને રૂ. ૦૫ લાખની કિંમતની અરટીકા કાર મળી કુલ રૂ. ૮.૪૦ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. સમગ્ર દેડિયાપાડા પંથકમાં ભારતિય જનતા પાર્ટીના આગેવાનની દારૂની હેરાફેરીમાં સંડોવણી બહાર આવતા ચર્ચાનો વિષય બન્યો હતો હવે શિસ્ત બધ્ધ પાર્ટી કઈ રીતે યુવા પ્રમુખ ઉપર એક્શન લે છે તે જીલ્લા ભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.






