
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સરકારી સેવામા વર્ષ 1984 થી ફરજરત રહેલા ડાંગના પ્રાંત અધિકારી શ્રી આર.સી.ચૌહાણ વયનિવૃત થતા, વહીવટી તંત્રના વડા તેમજ કલેક્ટર શ્રી મહેશ પટેલની ઉપસ્થિતીમા કલેક્ટર કચેરીના સભાખંડમા નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો. સરકારી નોકરીમાં તા.30/07/1984 મા જોડાયેલ શ્રી આર.સી.ચૌહાણે પોતાની ફરજ દરમિયાન સરકારના મહેસુલી વિભાગમા જુદા જુદા હોદ્દાઓ ઉપર 38 વર્ષ અને 11 માસ સુધી અવિરત સેવાઓ આપી હતી. જેઓ આજે વય નિવૃત થતા ડાંગ જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા તેમને ભાવભરી વિદાય અપાઇ હતી.
આ વિદાય સમારોહમા મહેસુલી પરિવારના મોભી એવા ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે વયનિવૃત થઇ રહેલ પ્રાંત અધિકારીશ્રી દ્વારા જિલ્લામા કરેલ ઉમદા કામગીરીઓ વર્ણવી, તેઓને નિવૃત જિવનની શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, અધિક નિવાસી કલેક્ટર શ્રી શિવાજી તબીયાડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોષી, ડિઝાસ્ટર મામલતદાર શ્રી અર્જુનસિંહજી ચાવડા, આહવા મામલતદાર શ્રી યુ.વી.પટેલ સહીત મહેસુલી અધિકારી, કર્મચારીઓએ ઉપસ્થિત રહી તેમના સ્વાનુભાવો વર્ણવી સ્મૃતિભેટ અર્પણ કરી હતી.