દેલોલ નજીક કારનાં ચાલકે એક રાહદારી અને સાયકલ સવાર દંપતીને અડફેટે લેતાં રાહદારીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત

તારીખ ૧૭/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પ્રાપ્ત વિગતો અનુસાર દેલોલ મુકામે ફરસખાનાના ગોડાઉનમાં દરજી કામ કરતા મૂળ વડોદરાના રહીશ સબૂરસિંહ કેસરીસિંહ ચૌહાણ ઉ.વ. ૫૩ ગોડાઉનમાં સીવણ કામ પતાવી નજીકના દેલોલથી શાકભાજી લઈ પરત ગોડાઉન આવતા હતા તે દરમ્યાન હિંમતપૂરા પાટિયા નિલકંઠ કોલેજ પાસે પુરપાટ ઝડપે હંકારી જતા એસયુવી કાર નં. જીજે-૧૭-બીએન-૨૪૭૨ ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ઘૂમાવી અડફેટે લીધા હતા.અકસ્માતના પગલે રોડ પર જ પટકાયેલા સબૂરસિંહ ને માથા અને મોઢા ના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર મળે તે પૂર્વે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ભાગવાની કોશિશ કરતા કાર ચાલકે આગળ સાયકલ સવાર દંપત્તિને પણ અડફેટમાં લઈ પાડી દેતા ઘાયલ દંપત્તિને સારવાર અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ડબલ અકસ્માતના પગલે લોકટોળા એકત્રિત થવા છતાં કાર ચાલક આબાદ ભાગી છૂટયો હતો.બનાવ અંગેની જાણ કાલોલ પોલીસને થતાં પોલીસે સ્થળ કાર્યવાહી અંતે મૃતકની લાશને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માત ગ્રસ્ત કારનો કબ્જો લઈ વાહન નંબર આધારે તેના માલિક અને ચાલકની સામે કાયદેસરની ફરિયાદ નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.










