
નવી દિલ્હી: ભારત એક તરફ ડિજિટલાઈઝેશનના યુગમાં પ્રવેશી રહ્યો છે, જ્યાં ઓનલાઈન પેમેન્ટનું પ્રમાણ ઘણું વધ્યું છે. આ જ સમયમાં ભારતીયો સાથે ઓનલાઈન છેતરપિંડીનું પ્રમાણ પણ વધ્યું છે. લોકલ સર્કલ્સ દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટ મુજબ દેશમાં છેલ્લા ૩ વર્ષમાં ૩૯ ટકા પરિવારો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે.
લોકલસર્કલ્સ દ્વારા મંગળવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અંદાજે ૩૯ ટકા ભારતીય પરિવાર ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો શિકાર થયા છે, તેમાંથી માત્ર ૨૪ ટકા લોકોને જ તેમના નાણાં પાછા મળી શક્યા છે. દેશના ૩૩૧ જિલ્લાના ૩૨,૦૦૦ લોકોએ આ સરવેમાં ભાગ લીધો હતો, જેમાં ૭૭ ટકા પુરુષો અને ૩૪ ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. આ સરવેમાં ૨૩ ટકા લોકોએ કહ્યું કે તેઓ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી છેતરપિંડીનો શિકાર થયા હતા જ્યારે ૧૩ ટકાનું કહેવું હતું કે તેમને ઓનલાઈન ખરીદી-વેચાણની સાઈટના ઉપયોગકર્તાઓએ છેતર્યા હતા.
સરવે મુજબ ૨૩ ટકા લોકોનું કહેવું હતું કે વેબસાઈટે તેમની પાસેથી નાણાં લઈ લીધા, પરંતુ ઉત્પાદન મોકલ્યા નહીં. ૧૦ ટકાનું કહેવું હતું કે તેઓ એટીએમ કાર્ડથી છેતરપિંડીનો શિકાર બન્યા હતા. અન્ય ૧૦ ટકા લોકોનું કહેવું હતું કે, તેમની સાથે બેન્ક ખાતામાં છેતરપિંડી થઈ હતી.
આ સિવાય ૧૬ ટકાએ જણાવ્યું કે, તેમની સાથે અન્ય રીતે છેતરપિંડી થઈ હતી. આંકડા પરથી જાણવા મળે છે કે સરવેમાં સામેલ ૩૦ ટકા પરિવારોમાંથી દરેક પરિવારનો કોઈ એક સભ્ય નાણાકીય છેતરપિંડીનો ભોગ બન્યો છે. આ સિવાય ૫૭ ટકાનું કહેવું હતું કે તેઓ અને તેમના પરિવારનો કોઈપણ સભ્ય આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બનતા બચી ગયા છે.