
તા.૭/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Dhoraji: આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ યોજાવાની છે ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીમાં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત ૭૫ – ધોરાજી વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ધોરાજી શહેરી વિસ્તારમાં “મતદાર જાગૃતિ રેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ‘‘સ્વીપ’’(સિસ્ટેમેટિક વોટર્સ એજયુકેશનલ એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીશિપેશન) પ્રોગ્રામ અન્વયે મતદારોમાં જાગૃતિ લાવવા હેતુ યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત નવી ભગવતસિંહજી હાઇસ્કુલ, સ્ટેશન રોડ, ધોરાજી થી ગેલેક્સી ચોક, ધોરાજી મહેસુલ સેવા સદન સુધી જુદા જુદા જાગૃતિ લાવતા સ્લોગન બોર્ડ, બેનરો સાથે સૂત્રોચાર, સેલ્ફી પોઇન્ટ, ડી.જે.ના તાલે મતદાન જાગૃતિ માટેના “સ્વીપ” ના ગીતો વગાડી ભવ્ય રેલીનું આયોજન ધોરાજી વહીવટીતંત્રની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આજની યુવા પેઢી દેશનું ભવિષ્ય છે ત્યારે યુવા પેઢી જાગૃત થાય અને દેશનાં વિકાસમાં યોગદાન આપે તે અતિ આવશ્યક છે ત્યારે લોકશાહીને વધુ સશકત બનાવવા મતાધિકારોનો અચૂકપણે ઉપયોગ કરવો જોઇએ. આ માટે વિદ્યાર્થીઓને કોઇપણ નાગરિક મતદાનથી વંચિત રહી ન જાય તે માટે યોગદાન આપવા તથા તેમના ઘરના તમામ સભ્યો અચૂકપણે મતદાન કરે તેવી સમજુતી આપી, મતદાનમાં મહિલા ભાગીદારી વધે તે માટે પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતું.
આ રેલીમાં ધોરાજી પ્રાંત અધિકારીશ્રી જે.એન.લીખીયા, ધોરાજી મામલતદારશ્રી એ.પી.જોશી, શાળા શિક્ષકો, વિદ્યાર્થીઓ સહીત તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, ધોરાજી નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.








