
તા.૨/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
વીંછિયા તાલુકામાં રૂ. ૭૧૨.૮૨ લાખ તેમજ જસદણ તાલુકામાં રૂ. ૫૮૪.૪૬ લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું
Rajkot: ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા એ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા અને વીંછિયા તાલુકાને રૂ. ૧૨.૯૭ કરોડના વિકાસકામોની ભેટ આપી હતી. જે અન્વયે મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જસદણ-વીંછિયા પંથકમાં સિંચાઈ અને રસ્તાની કામગીરીના ખાતમુહૂર્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિંછીયા તાલુકામાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમોમાં રૂ. ૭૧૨.૮૨ લાખના વિકાસકામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં રેવાણીયા ગામમાં રૂ. ૭૨.૨૭ લાખના થનારા રેવાણીયા માઈનોર ઈરીગેશન સ્કીમના રીપેરીંગ કામનું ખાતમુહૂર્ત, ઓરી ગામમાં રૂ. ૨૯૨.૩૩ લાખના ખર્ચે થનારા ઓરી-ખારચીયા રસ્તા અને રૂ. ૮૯.૦૯ લાખના ખર્ચે થનારા ઓરી માઈનોર ઈરીગેશન સ્કીમના રીપેરીંગ કામનું ખાતમુહૂર્ત, મોટી લાખાવડ ગામમાં રૂ. ૨૦૧.૩૭ લાખના ખર્ચે બનનારા મોટી લાખાવડ-મોટા હડમતીયા રસ્તાના કામનું ખાતમુહૂર્ત, હાથસણી ગામમાં રૂ. ૫૭.૭૬ લાખના ખર્ચે થનારા હાથસણી માઈનોર ઈરીગેશન સ્કીમના રીપેરીંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા એ જસદણ તાલુકાના રૂ. ૫૮૪.૪૬ લાખના વિકાસકામોના ખાતમુહૂર્ત કર્યા હતા. જે અંતર્ગત બાખલવડ ગામમાં આલણસાગર ડેમ ખાતે રૂ. ૨૩૧.૦૩ લાખ ખર્ચે થનારા આલણસાગર માઈનોર ઈરીગેશન સ્કીમના રીપેરીંગ કામના ખાતમુહૂર્ત, વિરનગર ગામ ખાતે રૂ. ૨૦૧.૩૭ લાખના ખર્ચે બનનારા વિરનગર-નાની લાખાવડ રસ્તાના ખાતમુહૂર્ત તેમજ રૂ. ૧૫૨.૦૬ લાખના ખર્ચે થનારા શિવસાગર માઈનોર ઈરીગેશન સ્કીમના રીપેરીંગ કામના ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા એ જે-તે વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમોમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિકાસકામોના ખાતમુહૂર્ત કર્યા હતા. તેમજ ઉપસ્થિત આગેવાનો અને પ્રજાજનોને સંબોધીને વિવિધ વિકાસકામો થકી જસદણ-વીંછિયાના સ્થાનિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી પંથકની પ્રગતિની ખાતરી આપી હતી.








