પાવાગઢના વિકાસ સંદર્ભે મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં હાલોલ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ

તા.૨૩.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
સરકાર દ્વારા યાત્રાધામ પાવાગઢને સતત વિકસિત બનાવવામાં આવી રહ્યું છે.અગાઉ ફેઝ ૧ અને ૨ના વિવિધ વિકાસના કાર્યોની કામગીરી પૂર્ણ કરાઈ છે અને હવે ફેઝ ૩ અને ૪ના વિકાસના કાર્યોને લઈને મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં હાલોલ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ હતી.૫૧ શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પાવાગઢ તીર્થક્ષેત્રમાં યાત્રી સુવિધા અને પ્રવાસન વિકાસ સહિતની નવનિર્માણ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરાઇ હતી.આ સાથે મુખ્ય સચિવ એ ચાંપાનેર ગામ,જામા મસ્જિદ અને પાવાગઢ ખાતે સ્થળ વિઝીટ કરીને જરૂરી સલાહ સૂચનો કર્યા હતા.આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તથા પ્રકૃતિ અને લોકોને ધ્યાનમાં રાખી તમામ વિકાસના કાર્યો થાય તે જરૂરી છે.કચરાનો વ્યવસ્થિત નિકાલ થાય તથા યોગ્ય રીતે પાણી મળી રહે તે જરૂરી બને છે.પાવાગઢ ખાતે પગથિયાના નીચેના ભાગથી શરૂ કરી દરેક ૩૦ મિનિટના રસ્તે ટોઇલેટની વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને સ્વચ્છતા પર ખાસ ધ્યાન રાખવામાં આવે તેમ જણાવ્યું હતું.તમામ બાબતોને શાંતિપૂર્ણ અભ્યાસ કરીને કાર્ય કરવામાં આવે તેમ સૂચન કર્યું હતું.પાવાગઢ દર્શન માટે યાત્રીકોમાં ઉત્તરોત્તર થઇ રહેલા વધારાના સંદર્ભમાં યાત્રી સુવિધા અને પ્રવાસન વિકાસના કામો ઝડપથી આયોજનબદ્ધ રીતે હાથ ધરાય તે માટે પણ જરૂરી સૂચનો કરાયા હતા.આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી તમામ કામગીરી બાબતે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.જિલ્લા ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે પાવાગઢ ખાતે વન ઘનીકરણના સઘન પ્રયાસો હાથ ધરાયા છે.રાજ્ય સરકાર પાવાગઢમાં માંચી ચોક ખાતે ૧૩ કરોડ રૂપિયાના વિકાસ કામો તેમજ પંચમહોત્સવ ઉજવાય છે તે સ્થળ વડા તળાવ બ્યૂટિફિકેશન સહિતની સુવિધા માટે ૮૦ કરોડ રૂપિયાના વિકાસ કામો હાથ ધરશે.ચાંપાનેરમાં હેરિટેજ સાઇટના વિકાસ માટે રૂ.૩૩ કરોડના પ્રોજેક્ટસ પણ શરૂ કરાશે,આમ સમગ્રતયા પાવાગઢ તીર્થક્ષેત્રના વિકાસના ફેઝ-૩ અને ફેઝ-૪ નો કુલ મળીને રૂ.૧૮૩.૩પ કરોડનો ખર્ચે આવનારા દિવસોમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ પ્રોજેક્ટસના અમલીકરણ દ્વારા કરવાનું છે.ફેઝ ૩ અંતર્ગત માંચી ચોક ખાતે અંદાજીત ૩૭.૦૫ કરોડના ખર્ચે ઑફિસ બિલ્ડીંગ, માહિતી કેન્દ્ર,ચાચર ચોકનું સ્ટોન ફલોરિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ, ગેટ, સાયનેજીસ, પીવાના પાણીની વ્યવસ્થા અને ઇલેક્ટ્રીફિકેશનના કાર્યો હાથ ધરાશે. આ સાથે ટુરિસ્ટ રિસેપ્શન,પાર્કિંગ, ફૂડ કોર્ટ, રિસોર્ટ, મ્યુઝિયમ, ટ્રાયબલ હાટ, એડવેન્ચર સ્પોર્ટ્સ, પીક અપ ડ્રોપ સ્ટેન્ડ,યાત્રિક સુવિધા કેન્દ્ર, ઇન્ટર પ્રીટેશન સેન્ટર, શૌચાલય, ઓપન ડિસ્પ્લે એરીયા સહિતના કાર્યો પૂર્ણ કરાશે.ફેઝ ૪ અંતર્ગત ચાંપાનેર ફોર્ટની અંદર અને બહારની જગ્યાઓ અને રસ્તાઓ ખાતે ૧૯.૮૭ કરોડના ખર્ચે રસ્તાનું સૌદર્યકરણ,પાર્કિંગ, શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા, પીક અપ ડ્રોપ સ્ટેન્ડ બનશે.૧૩.૫૦ કરોડના ખર્ચે ચાંપાનેર ફોર્ટની પાસે પેન્થર રેસ્ક્યું સેન્ટર બનાવવામાં આવશે.આમ ફેઝ ૩માં ૧૪૯.૯૬ કરોડ અને ફેઝ ૪માં ૩૩.૩૯ કરોડ મળી કુલ ૧૮૩.૩૫ કરોડના ખર્ચે પાવાગઢની કાયાપલટ કરાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગયા વર્ષે રૂ.૧૭૯.૦૦ કરોડના ખર્ચે ફોર લેન હાઇવે, માંચી ચોકથી મંદિર પરીસર સુધીના પગથીયાનું નવીનીકરણ, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયની સગવડ તથા સમગ્ર મંદિર પરીસરનું પુનઃનિર્માણ કરી યાત્રાળુઓની સુવિધાઓમાં અનેકગણો વધારો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે પાંચ શતક બાદ શ્રી મહાકાળી માતાજી મંદિરના નવનિર્મિત શિખર ઉપર ધ્વજારોહણ થયું હતું અને ત્યારબાદ પાવાગઢ યાત્રાધામ ખાતે યાત્રાળુઓની સંખ્યામાં દિન-પ્રતિદિન ધરખમ વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૪ મહિનામાં જ ૫૦ લાખ કરતા વધુ યાત્રીકોએ પાવાગઢમાં મા કાળીના દર્શન કરી ધન્યતા અનુભવી છે.આ બેઠકમાં જિલ્લા કલેકટર આશિષ કુમાર,નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા,જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા,જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,જિલ્લા ફોરેસ્ટ અધિકારી એમ.એલ.મીણા,હાલોલ પ્રાંત અધિકારી મયુર પરમાર,પાવાગઢના ટ્રસ્ટીઓ સહિત સબંધીત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.










