
27-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક સમિતિ ( સંકલન સભા ) ની બેઠક આગામી ૩૦ જુલાઈ, રવિવારના બપોરે ૧ કલાકે કરમસદ ( આણંદ) ખાતે યોજાશે. પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાનાર આ સંકલન બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા સંઘોના પ્રમુખ, મહામંત્રી અને રાજ્ય સંઘના હોદેદારો ઉપસ્થિત રહેશે. કચ્છ જિલ્લામાંથી પ્રમુખ નયનસિંહ જાડેજા .મહામંત્રી કેરણભાઈ આહિર , રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા તથા મંત્રી વિલાસબા જાડેજા આ બેઠકમાં ઉપસ્થિત રહી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા પ્રશ્નો રજૂ કરશે. સંકલન બેઠકમાં રાજ્યના પ્રાથમિક શિક્ષકોના બાકી પડતર પ્રશ્નો જેવા કે ૨૦૦૫ પહેલાની ભરતી વાળા શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા, સી.પી.એસ.કપાતમાં ૧૦ ટકાની સામે સરકારશ્રી દ્વારા ૧૪ ટકાનો ફાળો ઉમેરવા, એચ ટાટ આચાર્યોના પ્રશ્નો જેવા મહત્વના પ્રશ્ને ચર્ચા વિચારણા કરી પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે ભાવિ રણનીતિ ઘડી કાઢવામાં આવશે. આ સાથે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ આગામી ૧૦ ઓગસ્ટના રોજ દિલ્હીના રામલીલા મેદાન ખાતે જૂની પેન્શન યોજના માટે યોજાનાર ધરણા કાર્યક્રમના આયોજન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે તેવું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતિષ પટેલની યાદીમાં જણાવાયું છે. સંકલન બેઠકના આયોજન માટે આણંદ જિલ્લા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ વિક્રમસિંહ ગરાસિયા , મહામંત્રી પ્રવિણસિંહ રાજ સહિતના શિક્ષક સંઘના હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.








