
તા.૨૦/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન: દિવ્યા ત્રિવેદી – રિધ્ધિ ત્રિવેદી
છેલ્લા ૫ વર્ષમાં હોસ્ટેલના ૩૦૦ વિદ્યાર્થીઓ વિવિધ સરકારી સેવામાં, હાલમાં જ ૨૧ વિદ્યાર્થીઓ વિવિધ સુરક્ષા દળોમાં જોડાયા
દેશ માટે ન્યોછાવર થવું એ દરેક યુવાનનું સ્વપ્ન હોય છે, આ સ્વપ્ન પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર સહયોગી બની સંજય માકડીયા
દરેક યુવાનનું સ્વપ્ન હોય છે કે તે દેશના ઉત્થાનમાં જોડાય….ભારત આજે સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ છે ત્યારે આ યુવાશક્તિ દેશના વિકાસ અને સુરક્ષા કાજે સમર્પિત થાય ત્યારે ભારતને વિશ્વ મહાસત્તા બનતું કોઈ રોકી શકે નહીં. આજના યુવાનોને દેશ સેવા માટે આગળ વધવા માત્ર સાચી દિશા આપનારની જરૂર છે અને આ સાચી દિશા સાથે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી રાજકોટમાં આવી અભ્યાસ હેતુ વસેલા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજકોટની મહાત્મા ગાંધી છાત્રાલય દ્વારા ભવિષ્ય માટે સાચી દિશા સાથે સંપૂર્ણ માર્ગદર્શન અને આવશ્યક જરૂરિયાતો પૂર્ણ કરી, રાષ્ટ્રના ભવિષ્યના ઘડતરમાં યોગદાન આપવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

રાજકોટ શહેરના કાલાવાડ રોડ સ્થિત રાજ્ય સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળના મહાત્મા ગાંધી છાત્રાલયમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના વિદ્યાર્થીઓને રહેવા- જમવાની સુવિધા તો મળે જ છે પણ સાથે જ વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્ય માટે વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરાવવામાં આવે છે. આ માટે અદ્યતન લાઇબ્રેરીની સુવિધા પૂરી પાડી યોગ્ય વાતાવરણ પણ આપવામાં આવે છે. આ છાત્રાલયમાંથી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ સરકારી સેવામાં જોડાયા છે. હાલમાં જ આ છાત્રાલયના ૨૧ વિદ્યાર્થીઓ એક સાથે જ એસ.એસ.સી. એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષા પાસ કરી સંરક્ષણ ક્ષેત્રના સી.આર.પી.એફ, બી.એસ.એફ.સહિતના સુરક્ષા દળોમાં સેવારત થયા છે.
આ છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા જુનાગઢ જિલ્લાના માંગરોળના રહેવાસી સંજય માકડીયાએ જણાવ્યું હતું કે, “દેશ માટે ન્યોછાવર થવું એ દરેક યુવાનનું સ્વપ્ન હોય છે, આજે મારા આ સ્વપ્ન થકી મને દેશની સેવા કરવાની તક મળી તે બદલ હું ખુબ ધન્યતા અનુભવું છું.

મારી ઉંમર ૨૫ વર્ષની છે અને મે ધોરણ ૧૨ સુધી માંગરોળમાં જ અભ્યાસ કર્યો હતો. મારા પિતા મજુરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હોવાથી ઘરની આર્થિક સ્થિતિ નબળી છે. આ સ્થિતિમાંથી બહાર આવવા મે અભ્યાસ પ્રત્યે સમર્પિત થઈને સરકારી સેવામાં જોડાવાનો નિશ્ચય કર્યો. આજે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા, શારીરિક કસોટી અને ઇન્ટરવ્યુમાં ઉતીર્ણ થઈને હવે હું દેશ સેવામાં જોડાઇ શકીશ. મારી કારકિર્દીની સફરમાં મારા માતા પિતાની અથાક મહેનત અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા મળતી સહાયના લીધે આજે હું મારું સ્વપ્ન સાકાર કરી શકયો છું. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ થવા માટે રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી છાત્રાલય, વાંચન માટે તેની લાઇબ્રેરી અને સહવિદ્યાર્થીમિત્રો સાથે સમૂહમાં તૈયારી કરવાથી મને ઘણો ફાયદો થયો હતો. અમે ખુબ જ ઉત્સાહથી તૈયારીઓ કરી, અમે ૨૧ મિત્રો સફળ પણ થયા છીએ. જે બદલ હોસ્ટેલના આચાર્ય શ્રી પટેલ સર, અન્ય સ્ટાફ અને રાજ્યસરકાર પ્રત્યે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધી છાત્રાલયમાં પ્રવેશ માટે ધો.૧૦,૧૨ની પરીક્ષા દરમિયાનમાં જ ફોર્મ ભરવાનું રહે છે. આ માટે સંલગ્ન જિલ્લાની સમાજ કલ્યાણ કચેરીનો સંપર્ક કરી વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભર્યા બાદ જો અરજી માન્ય રહે તો વિદ્યાર્થીએ મુલાકાત આપવાની રહે છે. ત્યાર બાદ પસંદગી પામેલ વિદ્યાર્થીને છાત્રાલય ખાતે પ્રવેશ આપવામાં આવે છે. આ માટે વિદ્યાર્થીઓએ માર્કશીટ, શાળાનું પ્રમાણપત્ર, બોર્ડનું સર્ટિફિકેટ, જાતિ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે દસ્તાવેજો જોડવાના રહે છે. પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને સંપૂર્ણ નિવાસી સુવિધાઓ જેવી કે રહેવા, જમવા તથા લાઇબ્રેરી વગેરે સંકુલની તમામ સુવિધાઓ નિ:શુલ્ક આપવામાં આવે છે.








