
તા.૨૫/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન અંતર્ગત ઈન્ટેક રાજકોટ અને ‘ધ કલા કલેક્ટિવ્સ”નો હેરિટેજને પુનર્જીવિત કરવાનો પ્રયાસ
રાજકોટ શહેરમાં ઐતિહાસિક સ્થાપત્યો- હેરિટેજ વિશે જાગૃતિ લાવવાના એક અનોખા પગલા તરીકે જામટાવરના રાજ્ય સંરક્ષિત સ્મારકમાં તા. ૧૭ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન હેરિટેજ ફોટોગ્રાફી પ્રદર્શન “ફ્રેમિંગ અવર રૂટ્સ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જામટાવર રાજ્ય પુરાતત્વ વિભાગના નેજા હેઠળ અને રાજકોટના કલેક્ટર શ્રી પ્રભવ જોશીની ભલામણો હેઠળ તેના પુનઃસંગ્રહ માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે શહેરમાં હેરિટેજ સ્થળોના પુનરુત્થાનના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે ‘ફ્રેમિંગ અવર રૂટ્સ’ શીર્ષક ધરાવતા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામટાવર ખાતે હેરિટેજ ફોટોગ્રાફી પ્રદર્શનનું ઉદઘાટન રાજકોટ રાજવી પરિવારના એચ.એચ.ઠાકોર શ્રી માંધાતાસિંહજી જાડેજા, જીનિયસ ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુશનના ડાયરેક્ટર શ્રી ધર્મેન્દ્ર મહેતા અને વિક્રમ વાલ્વ પ્રા.લિ.ના ડાયરેક્ટર શ્રી વિક્રમ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી અને સમાજ પર તેની હકારાત્મક અસરની ખાતરી આપી હતી.

આ પ્રદર્શનમાં આપણા સાંસ્કૃતિક વારસા અને રાજકોટની સુંદરતાનું અન્વેષણ કરતા ફોટોગ્રાફ્સના મનમોહક સંગ્રહનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન ઇન્ટેક રાજકોટ ચેપ્ટર, ધ કલા કલેક્ટિવ, ગુજરાત સરકારના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમ (રાજકોટ સર્કલ), રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ સ્થિત સનાતન ગ્રુપ ઓફ ડેવલપર્સ વચ્ચેના સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, “ફ્રેમિંગ અવર રૂટ્સ” એ એક વિઝ્યુઅલ યાત્રા હોવાથી તેની ઉજવણી સંસ્કૃતિ, પરંપરા, ઇમારતો અને લેન્ડસ્કેપ્સ વગેરેની સમૃદ્ધ ઝાંખી દ્વારા કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં કલાપ્રેમી તેમજ પ્રતિભાશાળી ફોટોગ્રાફરની કૃતિઓ દર્શાવવામાં આવી હતી જેણે માનવ જીવનને તેના વારસા સાથે જોડતી ક્ષણોને કુશળતાપૂર્વક કંડારી હતી. આ પ્રદર્શન માત્ર ઉભરતા અને સ્થાપિત ફોટોગ્રાફરો દ્વારા સાંસ્કૃતિક વારસો અને વિવિધતાની થીમને પ્રતિબિંબિત કરતી વિચારપ્રેરક છબીઓનો કોલાજ અને કલાના શોખીનો માટે કલાકારો સાથે જોડાવાની અને તેમની સર્જનાત્મક પ્રક્રિયાનો ભાગ બની શીખવાની તક હતી.
ઇન્ટેક રાજકોટ ચેપ્ટરના કન્વીનર આર્કિટેક્ટ રિદ્ધિ શાહે તેમની ટીમ સાથે તમામ દર્શકોનો આભાર વ્યક્ત કરી રાજકોટની સાંસ્કૃતિક ધરોહરને જાળવવાનો દરેક નાગરિકોને અનુરોધ કર્યો હતો. ટીમ ઇન્ટેક રાજકોટ અને કલા કલેક્ટિવના સભ્યો જયેશ શુક્લા, નૈનેશ વાઘેલા, સ્મિત મહેતા, મંથન સીંરોજા, નમ્રતા, ભવ્ય બળદેવ, અભિષેક પાનેલીયા અને ઋત્વિક ફળદુએ આ કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ બદલ રાજકોટના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.








