મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ હાલોલ તાલુકાના તાજપુરા ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને કૃષિ મેળો યોજાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૦.૧૦.૨૦૨૩
લોકોમાં મિલેટ ધાન્ય પાકો અંગે જાગૃતિ વધે અને લોકો મિલેટનો રોજીંદા જીવનમાં વપરાશ કરતા થાય તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે.પંચમહાલ જિલ્લામાં મિલેટ ધાન્ય પાકો અને પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોમાં જન જાગૃતિ ફેલાય તે માટે જિલ્લા ખેતીવાડી વિભાગ સહિતના વિભાગો દ્વારા તાલુકા કક્ષાના કૃષિ મેળાઓ યોજાઈ રહ્યાં છે.જેના અનુસંધાને હાલોલ તાલુકાના તાજપુરા ખાતે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાના કૃષિ મેળાનું આયોજન કરાયું હતું.આ કૃષિ મેળામાં ધારાસભ્યએ ઉપસ્થિત ખેડૂતોને મિલેટ અનાજ અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું.તેમણે ખેડૂતોને હાકલ કરી હતી કે,રાસાયણિક ખેતી છોડીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને મિલેટ ધાન્યનું વાવેતર કરીને સ્વસ્થ્ય સમાજના નિર્માણમાં ભૂમિકા ભજવે.આ પ્રસંગે રિસર્ચ વૈજ્ઞાનિક દ્વારા આ કૃષિ અને તેના ફાયદા અંગે જાણકારી આપવામાં આવી હતી.અહીં નોંધનીય છે કે, મિલેટ ધાન્ય વિવિધ મિનરલથી ભરપૂર હોય છે.જે શરીરમાં ઘણા પોષક તત્વો પૂરા પાડે છે તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.આજના સમયમાં ખોરાકમાંથી મિલેટ ધાન્ય લુપ્ત થતાં જાય છે જેથી તેનો રોજીંદા જીવનમાં વ્યાપ વધારવા સરકાર તરફથી જન જાગૃતિ વધારવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે હેઠળ આ કૃષિ મેળાનું આયોજન કરાયું હતું.કૃષિ મેળામાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ,જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યઓ,ખેતીવાડી શાખાના અધિકારીઓ,કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.










