
◾️એકબાજુ અત્યાધુનીક બસપોર્ટ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયાની ખુશી તો બીજી બાજુ રોજનું કમાઈને પેટિયું રડતા ગરીબ કાછીયાઓને હટાવાતા લાખોનું નુકશાન
BHUJ : નવા વર્ષના પ્રથમ દિવસથી અત્યાધુનીક આઈકોનીક બસપોર્ટ જાહેર જનતા માટે ખુલ્લું મુકાતા ન માત્ર પ્રવાસીઓ પણ કોટ વિસ્તાર અંદરના વેપારીઓમાં હર્ષની લાગણી પ્રસરી હતી. બીજીબાજુ બસ સ્ટેશન વિસ્તારમાં શાકભાજીનો ધંધો કરી રોજનું કમાઈ રોજ ખાતા કાછીયાઓને સવારે ૫ વાગ્યાથી જ પોલીસ દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરાતા કચવાટ ફેલાયો છે. એ હકીકત છે કે રસ્તાની બાજુએ અતિક્રમણ કરી ધંધો કરતા કાછીયાઓના લીધે બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા હંમેશાથી ખોરવાતી રહી છે.
વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે શાકભાજીના નાના ધંધાર્થીઓએ ખરીદેલ લાખ્ખોનો માલ ફેંકવાનો વારો આવ્યો હતો. આજરોજ શેરીફેરીયા સંગઠન દ્વારા વિરોધ કાર્યક્રમ યોજી જિલ્લા કલેક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફીસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સત્વરે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગે કરાઈ હતી.
શેરીફેરીયા સંગઠનના પ્રમુખ મહંમદભાઈ લાખાએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ૫ જાન્યુઆરીના રોજ શેરીફેરીયા સંગઠન સાથે યોજાનારી મિટિંગમાં પ્રશ્નોનો ઉકેલ લાવવાની બહેનધારી અપાઈ છે.
◾️બસ સ્ટેશન સામે આવેલ મીડલ સ્કુલ ગ્રાઉન્ડ અથવા ઓપન એર થીયેટર બની શકે શ્રેષ્ઠ વિકલ્પ
ભુજવાસીઓના મતે જુની શાકમાર્કેટની અવદશા અને ટ્રાફિક સમસ્યાને જોતા બસ સ્ટેશન સામે આવેલ મીડલ સ્કુલ ગ્રાઉન્ડ અથવા ઓપન એર થીયેટરમાં શાકભાજીના ધંધાર્થીઓને હંગામી ધોરણે ખસેડવામાં આવે તે આવકારદાયક પગલું બની રહેશે. જ્યાં પાર્કિંગની સાથે કાછીયાઓ માટે હંગામી રીતે જગ્યા ફાળવવામાં આવે તે નિર્ણય લોકોપયોગી બની રહેશે.

[wptube id="1252022"]



