
મૂળુભાના ઘર પછવાડે થી ઉગેલો સૂરજ ધીરે ધીરે ઘરના મોભારે ચડી અર્ધ પ્રકાશ આંગણામાં પાથરી રહ્યો હતો. પંખીના કલરવથી આખું આંગણું જાગી ગયું હતું, જીવી તેનું પોતાનું કામ સવારમાં વહેલા ઉઠી ત્યારથી પૂરું કરવાની તૈયારી કરી રહી હતી.
જીવીએ આંગણામાં પડેલા લાકડાને સરખા કરી થોડાક લાકડા ચૂલો સળગાવવા માટે માથે ઉપાડી રસોડામાં પ્રવેશી અને બોલી : “હાય હાય મા આજે ગંગા ને નીરવાનું ભૂલાય ગયું….”
ઉતાવળા પગે તરત જ ગમાણમાં પડેલો બાજરી નો ચારો હાથમાં લઇ ગંગા પાસે જઈ માથે હાથ ફેરવી અને બોલી.
“માફ કરજે માવડી આજે તને નીરવાંનુ તો ભુલાય જ ગયું..” આમ તો અમે બે અને તું ત્રીજી ભગવાને સંતાન તો આપ્યું નહિ પણ તારી જેટલી સેવાચાકરી થશે એટલી કરીશ માવડી.”
જ્યારે પણ સંતાન માટેની વાતો ગાય પાસે કરતી ત્યારે તેને ગામના મેણાં અને યાદ આવિયા કરતા ને અંદર ઊંડે સુધી દુઃખ થયા કરતું.
એક બાજુ મૂળુભા વાડીએ આખો દાડો વાડીએ રાખેલા સાથી દેવાભા સાથે કામ કરતાં.જિંદગીની અડધી ઉંમર વહી જતા પણ સંતાન સુખ પ્રાપ્ત ન થયા નું દુઃખ સહન કરવું એને પણ અઘરું લાગી રહ્યું હતું. લાકડાની ખાટ પર સુતા મનમાં બોલ્યો “હે માતાજી આ શેર માટીની ખોટ માંથી ઉગરો”.
પવની ઠંડી લેરકી મોઢા પર ફરીવળી અને સફાળો જાગી ગયો. યાદ આવ્યું કે પાણીનો ક્યારો ભરાઈ ગયો છે વાળવાનો બાકી છે. તરત જ સેઢાની પેલે પાર રહેલા દેવભા બૂમ પાડી કહ્યું : “અરે ઓ દેવલા … “હું ક્યારો વાળી દઉં છું તું સામેના શેઢે થી પાણી ચાલુ કરી દે જે”
સો વીઘા નો ધણી જો સંતાન વગરનો હોય તો ગામ લોકોના મેણાં સાંભળવાના જ રહ્યાં અને એ બાબતથી કંટાળેલો મૂળુભા બસ હવે સંતાન ની આશ સાથે જીવી રહ્યો હતો.જીવી અને મૂળુભા વચ્ચેનો પ્રેમ અપાર તો પણ સંતાન સુખ પ્રાપ્ત ન હોવાથી જીવનની અંદર મીઠાશ થોડી ઓછી રહેતી, અને ક્યારેક ક્યારેક સંતાનને લઈને બંને વચ્ચે અણબનાવ પણ થયા કરતા.
બપોરનું ટાણું થયું એટલે જીવી ભાત લઇ અને વાડીના રસ્તા તરફ આગળ વધતી વધતી વિચારી રહી હતી. “ચાલો ચાલો જલ્દી જલ્દી હાયલે રાખું દેવાભા અને એને પણ જોરની ભૂખ લાગી જશે.”
ઊંડો વિચાર કરતી કરતી વાળીની વાટ પર આગળ વધતી હતી. રસ્તો ગાડાવટુ હોવાથી ક્યારેક એકાદ બે મજૂર તેની નજરે ચડી આવતા. ખૂબ જ નાની વયના મજૂરોના હાથમાં નાના નાના બાળકો જોઈ તેને અંદરથી ખૂબ દુઃખ હતું.
ચાલતા ક્યારે વાડી આવી ગઈ ખબર ના પડી ને વાડીના શેઢે શેઢે ચાલતી ચાલતી જ્યાં મૂળુભા પાણી વાળી રહ્યા હતા ત્યાં પહોંચીને બોલી “ સાંભળો છો જલ્દી જલ્દી શિરામણ કરી લો બાકી ઠરીને ઠીકરું થઈ જશે…પછી ભાવશે નય”
“એ હા આવ્યો…. અઠાણે ભાત લઈ જા હું આવું છું, ને દેવલાને પણ હારે બોલાવી લવ છું.”
અઠાણે ઉભેલા આંબાના છાયાએ ધરતીને રોકી રાખી હતી અને ત્રણેય છાયા નીચે બેસી શિરામણ કરતાં કરતાં આરામથી વાતો કરવા લાગ્યા.
જીવીએ હળવેકથી વાત મૂકી અને બોલી: “કહું છું સાંભળો છો આવતીકાલે રતનપુર જઈએ તો આ બાજુવાળી રમજું કેતીતી, ત્યાં એક સારા ભુવાજી સે તો એકવાર આપણે જઈને વાત તો કરીએ..”
મુળુભા ની આંખો ઠંડી પડી ગઈ હતી એટલે થોડીવાર કંઈ બોલી ન શક્યો. પણ ધીરેથી બોલ્યો.
“માતાજી સૌનું સારું કરે છે તો આપણું શું કામ નહીં કરે તે આપણી કસોટી કરતી હશે. આવી વાત કરી આપણે માની શ્રદ્ધાને અળગી કરીએ છીએ… અને માની શ્રદ્ધાને ઠેશ ના પહોંચાડાય સમજી…”
“ભલે ત્યારે તમારી મરજી.. હાલો જટ ખાવા માંડો મારે મોડું થાય છે ગંગા ને હજી નિર્વાનું બાકી છે.”
“હવે તું વાડીએ આવી છો તો જરા મારી ગંગા માટે શેઢે થી થોડું કુણું કુણું ખળ વાઢી જજે આમ તો બિચારી ઘરે સૂકું ખાઈ ખાઈને કંટાળી ગઈ છે. ત્યાં સામે ખીમલા ની વાડીની બાજુનો શેઢો છે ને ત્યાં સારું કુણું કુણું ખળ છે ત્યાં જૈઈ વાઢી લેજે..”
“એ સારું ત્યારે તો તમે જમી લો ને વાસણ કુંડે ધોઈને સુકવી દેજો…હું ખડ વાઢી આવું અને પછી વાસણ ભેગા કરી લઈશ.”
જીવી હાથમાં દાતરડું લઈ આગળ વધવા લાગી. સામેના શેઢે જોવા માટે વચ્ચેથી પસાર થવું પડે એટલે ખેતરના વચ્ચે વચ્ચે ચાલીને જતી હતી.
ત્યાં અચાનક એની નજર એક કપડા ના ટુકડા પર પડી એ તરત જ એ કપડાના ટુકડાને નીરખવા લાગી અને વિચારમાં લાગી.
બોલી : “આ શેઢાના ખૂણે કપડું કોણ નાખી ગ્યું.”
કપડાની કોર એક બાજુ લોહીથી ખરડાયેલી હતી, જીવી થોડી ચમકી થોડું આગળ વધી ત્યાં ખૂણાના ભાગમાં એક નાનો ખાડો દેખાયો અને એમાં જોયું તો ઉપરથી ધૂળ વાળેલી હતી અને અંદરથી કણસવાના ધીમો અવાજ એના કાને પડ્યો.
ફટાફટ ખરડાયેલા હાથથી ખાડા પર વાળેલી ધૂળને દૂર કરવા લાગી. ત્યાં એક નવું જન્મેલું બાળક દેખાયું. આખાય શરીરમાં ધૂળના થર જામી ગયા હતા અને આંખોના પોપચા ચોટી ગયા હતા.બાળકને હળવેકથી હાથમાં લઈ સાફ કરવા લાગી અને દુઃખ ભર્યા અવાજે બોલી.
“કોણ આવી અભાગી માઁ હશે જેને આવું કામ કર્યું માતાજી એનું સાતેય ભવ સારું ના કરે. આવા નાના પહૂડા શું દોષ ? શું કામ દુઃખ આપ્યું ?
જીવીનું શરીર ઠંડુ પડી ગયું તેણે તરત જ મુળુભા ને અવાજ કરી બોલાવ્યા.
“એ સાંભળો છો સાંભળો છો તરત અહીં આવો….”
મુળુભા ના કાને અવાજ પડતા જલ્દીથી શેઢા ના ખૂણે પહોંચ્યા અને જીવી ના હાથમાં બાળકને જોઈ ખુદ પણ આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો.
“અલી જીવી આ કોનું બાળક છે ક્યાંથભાન-બાન છે કે નહીં.”
જીવીએ ઉતાવળો જવાબ ભરતા બોલી.
“અરે આ તો કુદરતની કરામત અને કાળની કરામત છે, પહુડું મને ખૂણે ખાડામાં દાટેલું મળ્યું” આતો કણસવાના અવાજથી મને ખબર પડી બાકી આ પહૂડું આજે આ દુનિયામાં ના હોત.
“માતાજીએ આપણી કસોટી પુરી કરી.. હવે હાંભળ હવે આ બાળકની માઁ તું અને બાપ હું, જાણે ધરતીએ જનનની બની બાળકને ખોળામાં રાખી બચાવ્યુ લાગે, હાલ હવે આને ઘરે લઈ જા.. હું ગામનાં વૈદ્ય ને બોલવી આવું છું.”
ધીરે ધીરે જીવી અને મુળુભાના પગ આનંદનથી આગળ વધવા લાગ્યા ને બધું શાંત થવા લાગ્યું.
લેખક: ગિરિમાલસિંહ ચાવડા “ગીરી”