
રાજકોટ શહેરમાં રહેતા અને સતત વિવાદમાં રહેતા સસ્પેન્ડેડ એડવોકેટ સંજય પંડિત સામે વધુ એક ગુનો નોંધાયો છે. પોતાની ઓફિસમાં નોકરી કરતી ત્યક્તા પર નજર બગાડી ત્યક્તા પર દુષ્કર્મ અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવા ઉપરાંત ત્યક્તાની 12 વર્ષની પુત્રી સાથે પણ અડપલાં કર્યાનો ગુનો નોંધાતા પોલીસે આરોપી સંજય પંડિતની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શહેરમાં રહેતી 35 વર્ષીય ત્યક્તાએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગર રોડ પરના નાગેશ્વર પાર્શ્વનાથ મંદિર પાસેના શાંતિનગરમાં રહેતા સંજય હેમંતરાય પંડિતનું નામ આપ્યું હતું.
ત્યક્તાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 2010માં થયા હતા અને સંતાનમાં 12 વર્ષની પુત્રી છે, 2018માં પતિ સાથે છૂટાછેડા થઇ જતાં પોતે તથા તેની પુત્રી તેના માતાપિતા સાથે રહેતા હતા, પુત્રીના નિભાવની જવાબદારી પોતાના પર આવતાં નોકરીની શોધમાં હતી તે વખતે યાજ્ઞિક રોડ પર હીરાપન્નામાં આવેલી એડવોકેટ સંજય પંડિતની ઓફિસમાં કમ્પ્યૂટર ઓપરેટરની જરૂરિયાત હોવાની જાણ થતાં પોતે ત્યાં મળવા ગઇ હતી અને સંજય પંડિતે રૂ.8 હજારના માસિક પગારથી નોકરી પર રાખી હતી. નોકરી શરૂ થયાના થોડા દિવસ બાદ ત્યક્તા ઓફિસમાં હતી ત્યારે સંજય પંડિત તેની બાજુમાં બેસી ગયો હતો અને બાથ ભરી લીધી હતી.
ત્યક્તાએ પ્રતિકાર કરતાં પંડિતે રાજકોટમાં હું મોટું નામ ધરાવું છું અને અત્યાર સુધીમાં અનેકને ફસાવી દીધા છે તું મારું કંઇ નહીં બગાડી શક તેમ કહી બીભત્સ હરકતો કરવા લાગ્યો હતો. એક દિવસ સાંજે ત્યક્તા પોતાના ઘરે હતી ત્યારે સંજય ત્યાં પહોંચ્યો હતો અને એક ડોક્યુમેન્ટનું કામ છે તેમ કહી ત્યક્તાને કારમાં બેસાડી રેલનગરમાં કોપરસિટીમાં આવેલા ફ્લેટે લઇ ગયો હતો અને ત્યાં ત્યક્તાને ધક્કો મારી શેટી પર સુવડાવી દઇ દુષ્કર્મ આચર્યું હતું અને મોબાઇલથી ત્યક્તાના નગ્ન ફોટા પાડી લીધા હતા અને તે ફોટા વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર આવું કૃત્ય આચરવા લાગ્યો હતો.
થોડા દિવસ પછી ત્યક્તા પોતાની 12 વર્ષની પુત્રીને લઇને ઓફિસે ગઇ હતી ત્યારે સંજય પંડિતે બાળકીને પોતાના ખોળામાં બેસાડી તેની સાથે બીભત્સ હરકતો કરવા લાગ્યો હતો અને ત્યક્તાએ વિરોધ કરતાં સંજય પંડિતે ધમકી આપી હતી કે, હું જે કરું તે મને કરવા દેવું પડશે નહિતર ફોટા વાઇરલ કરી દઇશ.સંજય પંડિત ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપી વારંવાર ત્યક્તાને બોલાવી ફ્લેટે લઇ જઇ દુષ્કર્મ આચરતો હતો તેણે એક વખત સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યાનો પણ ત્યક્તાએ આક્ષેપ કર્યો હતો.
પોલીસે દુષ્કર્મ અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સંજય પંડિતની અટકાયત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સંજય પંડિતે અગાઉ તેના અસીલ અને સામેના પક્ષના અરજદાર બંને તરફે કેસ લડી બંને પાસેથી પૈસા પડાવ્યાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ફરિયાદ થતાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે જૂન 2021ના રોજ એક વર્ષ માટે સંજય પંડિતની સનદ સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો ત્યારબાદ કમલેશભાઇ રામાણી અને જયદેવસિંહ જાડેજાએ ગેરવર્તણૂક અંગે કેસ દાખલ કરતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ફરી એક વર્ષ માટે સનદ સસ્પેન્ડ કરી દીધી હતી.









