જસદણ-વિંછીયા તાલુકામાં નાગરિકોના પડતર પ્રશ્નો સત્વરે ઉકેલવા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની સૂચના

તા.૧૯/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પાણી પુરવઠા મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જસદણ-વિંછીયા તાલુકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ
રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને આજે જસદણ અને વીંછિયા તાલુકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ વિવિધ વિભાગમાં નાગરિકોના પડતર પ્રશ્નોનો તત્કાલ નિકાલ કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણ, વીંછિયા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કડક રીતે જાળવવા અને વિવિધ વ્યસનોના દૂષણ નાબૂદ કરવા કડક હાથે કામ લેવા પોલીસ વિભાગને સૂચના આપી હતી. જ્યારે બંને તાલુકામાં ગામતળ નીમ કરવાને લગતા પડતર પ્રશ્નોને વહેલાસર ઉકેલવા તાકીદ કરી હતી. આ સાથે ગામડાઓમાં નવા દબાણો ન થાય તેની તકેદારી રાખવા ખાસ સૂચના આપી હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકાર લોક કલ્યાણના કાર્યો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે ત્યારે એક પણ ગામમાં ગ્રાન્ટ પડતર ના રહે તે જોવા મંત્રીશ્રીએ ખાસ સૂચના આપી હતી.

તેમણે વિવિધ ગામોમાં વીજ તંત્રને લગતા પ્રશ્નો, પાણી વિતરણને લગતા પ્રશ્નોમાં નડતર બાબતોને સત્વરે ઉકેલીને લોકોને રાહત પહોંચાડવા જણાવ્યું હતું.
“આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત નિર્માણ પામેલા વિવિધ અમૃત સરોવરના જતન અને બ્યુટીફિકેશનની કામગીરીને વેગ આપવા, વિવિધ ગામોમાં સ્વચ્છતા પર ભાર મુકતા શૌચાલયના નિર્માણ સહિતના પ્રશ્નોની પણ તેમણે સમીક્ષા કરી હતી. જસદણ, વિંછીયા તાલુકામાં વિચરતી જાતિના લોકોને સરકારી લાભો આપવા સહિતના પ્રશ્નોની પણ તેમણે સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જસદણ પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બ્રિજેશ કાલરીયા, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપરાંત વીંછિયા તાલુકાના અગ્રણીશ્રી અશ્વિનભાઈ સાંકળીયા, જસદણ તાલુકા અગ્રણીશ્રી ભાવેશભાઈ વેકરીયા, વિવિધ પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.








