Rajkot: રાજકોટના શહેરી વિસ્તારોમાં થઈ રહેલી મતદાન જાગૃતિની સરાહનીય કામગીરી

તા.૧૧/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
વિવિધ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા અને મતદાન જાગૃતિ કાર્યક્રમો થકી ભાવિપેઢીને મતદાન માટે પ્રતિબદ્ધ કરાઈ.
Rajkot: લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મૂછારનાં માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો દ્વારા વધુમાં વધુ નાગરિકો અચૂક મતદાન કરે તે માટે બહુઆયામી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમે ૧૦ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સામેલ રાજકોટ શહેરની વિવિધ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા તેમજ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં.

માતૃમંદીર શાળા, સિસ્ટર નિવેદિતા સ્કૂલ, સેન્ટ મેરી સ્કૂલ, જી.ટી.શેઠ વિદ્યાલય, કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ, ધોળકિયા સ્કૂલ વગેરે ખાતે યોજાયેલા આ વિધ-વિધ કાર્યક્રમોમાં લોકશાહીને જીવંત રાખવા મતદાનની આવશ્યકતા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી હતી. ચિત્ર સ્પર્ધા અંતર્ગત શાળાના બાળકોએ મતદાન અંગે જાગૃતિ ફેલાવતા સંદેશાઓની સપ્તરંગી અભિવ્યક્તિ કાગળ પર ચિત્રો દોરીને કરી હતી. સ્પર્ધામાં સારું પ્રદર્શન કરનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. વધુમાં વિદ્યાર્થીઓ ૭ મેના રોજ મતદાન કરવા માટે પોતાના પરિજનોને પ્રેરિત કરે તેવી અપીલ કરવામાં આવી હતી. સ્વસ્થ લોકશાહી માટે દરેક નાગરિક પોતાની મતદાનની પવિત્ર ફરજ નિભાવે તે જરૂરી છે, જે સુનિશ્ચિત કરવા ભવિષ્યના મતદાતાઓને જાગ્રત કરવાના દુરંદેશી અભિગમથી ચૂંટણી પંચની પ્રેરણાથી શાળાના બાળકો માટે આવા મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.









