Rajkot: રાજકોટના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિકોને મતદાન કરવા અપાતી પ્રેરણા

તા.૨૮/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના નેતૃત્વમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં મતદારોને મતદાન માટે સતત પ્રેરણા આપવામાં આવી રહી છે.


જેના ભાગરૂપે રાજકોટ શહેરની ગીતગુર્જરી સોસાયટીમાં રોટરી મીડટાઉન ક્લબ આયોજિત કાર્યક્રમમાં મતદાન અંગે જાણકારી આપવામાં આવી હતી. અને ચૂંટણીલક્ષી પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે રામપર, તરકાસર, વાવડી, સરધાર, ભૂપગઢ અને ઉમરાળી સહિતના ગામોમાં મતદાન જાગૃતિ અને ચુનાવ પાઠશાળા કાર્યક્રમ અંતર્ગત મતદાનનું મહત્વ સમજાવતા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા મતદારોની ભાગીદારી વધારવા મતદારોને કુટુંબ સાથે અવશ્ય મતદાન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ અચૂક મતદાનના શપથ ગ્રહણ કરવામાં આવ્યાં હતાં.









