
ગદર-2નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. સન્ની દેઓલ 22 વર્ષ પછી ફરી તારા સિંહ બનીને પરત ફર્યો છે. આ વખતે તેનો પુત્ર પણ પાકિસ્તાનની સેના સામે લડશે. ટ્રેલરની શરૂઆત તારા સિંહ (સન્ની દેઓલ) અને શકીનાની વાતચીતથી થાય છે. આ બન્નેનો પુત્ર ચરણજીત પાકિસ્તાન જતો રહે છે, ત્યાં પાકિસ્તાની સેનાના જનરલ તેની પર અત્યાચાર કરે છે. પોતાના પુત્રને બચાવવા તારા સિંહ ફરી એક વખત પાકિસ્તાન જાય છે અને અહીંથી અસલી કહાની શરૂ થાય છે.
ત્રણ મિનિટના ટ્રેલરમાં સન્ની દેઓલની ઇમ્પેક્ટ વધારે જોવા મળી રહી છે. અમીષા પટેલ આ વખતે પણ માસૂમ લાગે છે. આ વખતે તારા સિંહ હેન્ડપંપ નહીં પણ હથોડો લઇને દુશ્મનો પર પ્રહાર કરશે.
ટ્રેલરમાં ચાર ચહેરાઓને વધુ સ્ક્રીન ટાઇમ મળ્યો છે. સન્ની અને અમીષાના પુત્ર બનેલા એક્ટર ઉત્કર્ષ શર્મા સિવાય પાકિસ્તાની સેનામાં જનરલ બનેલા એક્ટર મનીષ બાજવા પણ પાવરફુલ લાગે છે.આ ફિલ્મ 11 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલરને મુંબઇમાં એક શાનદાર ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં સન્ની દેઓલ અને અમીષા પટેલ ટ્રકમાં સવાર થઇને પહોચ્યા હતા. આ દરમિયાન બન્ને એક બીજાનો હાથ પકડીને ઢોલ પર નાચતા પણ જોવા મળ્યા હતા.વર્ષ 2001માં આવેલી ફિલ્મ ગદરનું બજેટ 19 કરોડ રૂપિયા હતું જ્યારે ગદર-2નું બજેટ લગભગ 100 કરોડ સુધી આંકવામાં આવી રહ્યું છે.










