રાષ્ટ્રીય મત્સ્ય પાલક દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ ખાતે મત્સ્યોદ્યોગ શિબિર યોજાઈ

આણંદ, સોમવાર :: મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, આણંદ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવાતજના સંયુક્ત ઉપક્રમે આણંદ ખાતે રાષ્ટ્રીય મત્સ્ય પાલક દિવસની ઉજવણી અન્વયે મત્સ્યોદ્યોગ શિબિર યોજાઈ હતી.
આ શિબિરમાં ઉપસ્થિત મહાનુભાવોએ મત્સ્ય પાલકોને મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ યોજનાઓ, PMMSY યોજના અંતર્ગત આઇ-ખેડૂત પોર્ટલ ઉપર કેવી રીતે અરજી કરવી, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, માછીમાર જૂથ અકસ્માત વીમા યોજના તેમજ ગામ તળાવમાં મત્સ્ય ઉછેર પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં હતી. આ ઉપરાંત ભારત સરકારની report fish disease app પરથી કેવી રીતે માછલીઓને લગતા રોગનું નિયંત્રણ મેળવવું તેનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મત્સ્ય પાલકોને મહાનુભાવોના હસ્તે ગામ તળાવ ઇજારા રીન્યુઅલ હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ શિબિર દરમિયાન ઉપસ્થિત મત્સ્ય પાલકોએ રાષ્ટ્રીય મત્સ્ય પાલક દિવસની રાષ્ટ્રીયકક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ શિબિરમાં વિષય નિષ્ણાંત તરીકે વડોદરા ઝોનના નાયબ મત્સ્યોદ્યોગ નિયામક શ્રી સમીર આરદેસણા, વડોદરા ઝોનના મત્સ્યોદ્યોગ અધિક્ષક શ્રી એચ.વી. મેહતા, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક શ્રી આર.પી. સખરેલીયા તથા દેવાતજ કે.વી.કે.ના સિનિયર સાઇન્ટીસ્ટ ડો વાય.સી.લકુમ અને શ્રી જયમીન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં મત્સ્ય પાલકો જોડાયા હતા.









