
તા.૯/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
‘શિલાફલકમ’ તકતી અનાવરણ, માટીના દીવા સાથે પંચ પ્રણ પ્રતિજ્ઞા, વીરોને વંદન અંતર્ગત સૈનિક પરિવારોનું સન્માન, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાષ્ટ્રના નાગરિકોમાં દેશની ધરતી પ્રત્યે ગૌરવની ભાવના જગાવતા અભિયાન ‘મેરી મિટ્ટી મેરા દેશ’નો આજે ૯મી ઓગસ્ટથી ગૌરવપૂર્ણ પ્રારંભ થયો છે. રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામોમાં આ અભિયાન અન્વયે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અધિકારીઓ, પદાધિકારીઓથી લઈને વિદ્યાર્થીઓ, નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

રાજકોટના આણંદપર નવાગામ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં “મેરી મિટ્ટી, મેરા દેશ” અભિયાનનો પ્રારંભ કરાયો હતો. અહીં મહાનુભાવો દ્વારા ‘શિલાફલકમ’ તકતીનું અનાવરણ કરાયું હતું તેમજ તેની સાથે સેલ્ફી લેવામાં આવી હતી. આ સાથે સૌએ પંચ પ્રણ અંતર્ગત માટીના દીવા સાથે પાંચ પ્રતિજ્ઞાઓ લીધી હતી. જેમાં (૧) વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, (૨) ગુલામીની માનસિકતાના નિશાનોને નાબૂદ કરવા, (૩) ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, (૪) રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા, (૫) રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવા સૌ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા.
આ નિમિત્તે ભારતીય સેનાના સેવાનિવૃત્ત સૈનિકશ્રી ભીમજીભાઈ કલોત્રાનું તેમજ સૈનિક મેઘરાજસિંહ ચુડાસમા વતી તેમના પત્નીનું હાર, શાલ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામપંચાયતના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમ અંતર્ગત ગામના ઘરે ઘરે થનાર તિરંગાના વિતરણનો મહાનુભાવોએ પ્રારંભ કરાવ્યો હતો.

લોધિકા તાલુકામાં ખીરસરા ખાતે ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. અહીં ‘‘શિલાફલકમ’’ના લોકાર્પણ બાદ ‘‘વસુધા વંદન’’ કાર્યક્રમ હેઠળ અમૃત વાટિકામાં વૃક્ષારોપણ કરાયું હતું. આ તકે વર્ષ ૧૯૬૨ની લડાઈમાં વેજપુર ખાતે, વર્ષ ૧૯૬૫ની લડાઈમાં પૂર્વ પાકિસ્તાન ખાતે અને વર્ષ ૧૯૭૧ની લડાઈમાં પુંછ રેજુરી ખાતે દેશ વતી ત્રણ યુદ્ધ લડીને દુશ્મનોના દાંત ખાટા કરી નાખનાર નિવૃત આર્મીમેન હવાલદાર શ્રી દોલતસિંહ આર. જાડેજાનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
જેતપુર તાલુકામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા. અહીં ‘‘શિલાફલકમ’’ સાથે ના લોકાર્પણ બાદ દીપ પ્રજવલ્લિત કરી, નાગરિકોએ સેલ્ફી લઈ દેશના વીર સપૂતોને યાદ કર્યા હતા.
વિંછીયા તાલુકાના અમરાપુર ગામના અમૃત સરોવર ખાતે” મેરી મિટ્ટી, મેરા દેશ” અંતર્ગત દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી સવિતાબેન નાથાલાલ વાસાણીના અધ્યક્ષ સ્થાને અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. અહીં અમૃતવાટિકા ખાતે ૭૫ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું. કાર્યક્રમમાં પોલીસ જવાનો અને ગ્રામજનો દ્વારા અમૃત સરોવર ખાતે પ્રભાતફેરીનું આયોજન કરાયું હતું.
પડધરી તાલુકાના ખાખડાબેલા-૧ ગામમાં ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમમાં વીરગતિ પામેલા શહીદ સ્વ. દિલીપસિંહ નવલસિંહ જાડેજાના પરિવારજનો તેમજ પોલીસ અને આર્મી વિભાગમાં કાર્યરત ૨૫ અધિકારીઓ-કર્મચારીઓના કુટુંબીજનોનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. જ્યારે ખાખડાબેલા-૨ ગામમાં શહીદ સ્વ. મહેન્દ્રસિંહ જટુભા જાડેજાના પરિવારજનો તેમજ પોલીસ અને આર્મીમાં ફરજ બજાવતા ૧૫ અધિકારીઓ-કર્મચારીઓના કુટુંબીજનોનું સન્માન કરાયું હતું. ખોડાપીપર ગામમાં ભૂતપૂર્વ આર્મીમેનશ્રી સંજયસિંહ ઝાલાને સન્માનિત કરાયા હતા. તાલુકાના ખાખડાબેલા-૧, ખાખડાબેલા-૨, ખોડાપીપર ઉપરાંત થોરીયારી અને ઉકરડા એમ પાંચ ગામોમાં ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમમાં શિલાફલકમ તકતીનું અનાવરણ કરાયું હતું.
કોટડાસાંગાણી તાલુકામાં સતાપ, શિશક, નવી મેંગણી, ચાપાબેડા, કાલંભડી, રાજગઢ, દેતડીયા, ભાડવા, દેવડીયા, બગદડીયા, સહિતના દસ ગામોમાં વિવિધ પાંચ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વસુધા વંદન અંતર્ગતો વૃક્ષારોપણ, વીરોનું સન્માન, માટી શપથ, પંચ પ્રણ પ્રતિષ્ઠા ધ્વજવંદન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
જસદણ તાલુકાના આટકોટ ગામમાં પોલીસ તથા આર્મીના સાત અધિકારીઓ-કર્મચારીઓના કુટુંબીજનોનું સન્માન કરાયું હતું. ઉપરાંત તાલુકાના આટકોટ ઉપરાંત આઘીયા, બાખલવડ, બળઘોઈ, બરવાળા, ભાડલા, ભંડારીયા, બોઘરાવદર, ચીંતલીયા, દહીંસરા એમ કુલ દસ ગામોમાં અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.








