
‘જો શૂદ્ર; ઉચ્ચ વર્ણ પર મૂત્ર ફેંકે તો રાજાએ તેની જનનેંદ્રિય કાપી નાખવી જોઈએ !’
માનવીની પાશવતા/ ધૃણાનો/ નફરતનો પરિચય એક વીડિયો દ્વારા જોવા મળ્યો છે. મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એક આદિવાસી શ્રમિક દશમત રાવત (36) પર; સત્તાપક્ષના યુવા મોરચાના ઉપાધ્યક્ષ પ્રવેશ શુક્લા મૂત્રવિસર્જન કરતો હોય તેવા અતિ નિંદનીય વીડિયોએ સૌને આઘાત આપ્યો છે ! 4 જુલાઈ 2023ના રોજ, વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે IPC કલમ- 294, 504 એટ્રોસિટી એક્ટ કલમ- 3(1) (r) હેઠળ ગુનો દાખલ કરી આરોપીને એરેસ્ટ કર્યો હતો.
સૌથી નિંદનીય બાબત એ બની કે જે શ્રમિક પર પેશાબ કર્યો હતો તેની પાસે 4 જુલાઈ 2023ના રોજ, એફિડેવિટ કરાવવામાં આવી કે “હું પ્રવેશ શુકલાએ મારા પર પેશાબ કરેલ નથી અને વાયરલ વીડિયો ખોટો અને બનાવટી છે !”
થોડાં પ્રશ્નો : [1] શું તમે કલ્પના કરી શકો કે પ્રવેશ શુકલા નીચે બેઠો હોય અને આ શ્રમિક તેની પર મૂત્ર વિસર્જન કરે? ના એ શક્ય નથી, આદિવાસીના એ સંસ્કાર નથી ! [2] પ્રવેશ શુક્લાએ આવી અતિ ગંદી હરકત શામાટે કરી હશે? શું તેમને મનુસ્મૃતિએ પ્રોત્સાહન આપ્યું હશે? [3] શું એક ગરીબ/ શ્રમિક પોતાની મેળે એફિડેવિટ કરી શકે? આવી એફિડેવિટ કરાવનાર તો મૂત્ર વિસર્જન કરનાર કરતા પણ ખતરનાક નથી? ન્યાય ન મળે તે માટેનું કાવતરું નથી? આવી એફિડેવિટ કરાવનાર સામે એટ્રોસિટી એક્ટ કલમ- 3(1) (q) હેઠળ હેઠળ અલગથી ગુનો બને કે નહીં? [4] સૌથી વાંધાજનક બાબત એ બની કે પ્રવેશ શુક્લા પોલીસ સ્ટેશને હાજર થવા જાય છે ત્યારે PSI તેની પીઠ પર ધબ્બો મારી સ્વાગત કરે છે ! માની લો કે આ શ્રમિકે પ્રવેશ શુકલા પર પેશાબ કરેલ હોત તો PSI શ્રમિકની પીઠ થાબડત કે ડંડાવાળી કરત? [5] એટ્રોસિટી એક્ટની આવશ્યકતા કેટલી છે; તે આ ઘટના બતાવે છે કે નહીં? [6] ગરીબી માણસનું સત્ત્વ હણી નાખે છે, લાચાર કરી મૂકે છે ! ઝારખંડના IAS અધિકારી મહેશ્વર પાત્રાના પત્ની અને સત્તાપક્ષના નેતા સીમા પાત્રા ઘરકામ માટે રાખેલ આદિવાસી સુનિતાને તેનો પેશાબ પીવડાવતી હતી; ગરમ તવેથાથી ડામ દેતી હતી ! વંચિતો/આદિવાસીઓ/ દલિતો કાયમ ગરીબ રહે તે માટે સત્તાપક્ષ લોકોને ધર્મના નામે ધૂણાવ્યા કરે છે ! શું લોકોએ સતર્ક બનવાની જરુર નથી? [7] ‘UCC-યુનિફોર્મ સિવિલ કોડ’થી દરેક નાગરિકને સમાન અધિકાર મળશે ખરા? UCCના અમલ પછી શ્રમિકો/ દલિતો/ આદિવાસીઓ ન્યાય મેળવી શકશે ખરાં? શું UCC પછી પણ મનુસ્મૃતિ મુજબ જ ન્યાય મેળવવો પડશે? [8] મનુસ્મૃતિ, અધ્યાય-8, શ્લોક-282માં લખ્યું છે : “જો શૂદ્ર અહંકારવશ બ્રાહ્મણાદિક ઉચ્ચ વર્ણ પર થૂંકે તો રાજાએ તેના બન્ને હોઠ/ મૂત્ર ફેંકે તો તેની જનનેંદ્રિય/ વાયુ છોડે તો તેની ગુદાને કાપી નાંખવા જોઈએ !” મનુસ્મૃતિની તરફેણ કરનારા ગોડસેવાદીઓ પ્રવેશ શુક્લાની જનનેંદ્રિય કાપી નાખવાની, સજાની માંગણી કરશે ખરાં? શું મનુસ્મૃતિ માત્ર ઉચ્ચ વર્ણને જ ન્યાયનો અધિકાર આપે છે?rs [કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય]