RAMESH SAVANI

પત્રકાર તુષાર બસિયા સામે ગુનો દાખલ કરનાર સુરત પોલીસને કાયદાનું જ્ઞાન નહીં હોય?

12 જાન્યુઆરી 2024 ના રોજ સવારે 10.30 વાગ્યે, જાહેર રોડ પર છઠ્ઠા ધોરણમાં ભણતી બાળાના ગુપ્તાંગ પર હાથ નાખનાર એક વિકૃત ઈસમ સામે 12 દિવસ સુધી સુરતના સીંગણપોર પોલીસ સ્ટેશનના PI રાઠોડે સરકાર તરફે ફરિયાદ નોંધી નહીં. જ્યારે આ ઘટનાનો અહેવાલ નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ રજૂ કર્યો ત્યારે 24 જાન્યુઆરી 2024ના રોજ 20.30 કલાકે સીંગણપોર PI રાઠોડે સરકાર તરફે બાળાની છેડતી કરનાર ઈસમ સામે IPC કલમ 234A/ પોક્સો એકેક્ટ કલમ-8, 23(1) (2)/ જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટ કલમ-74/ IT એક્ટ કલમ-66(e) હેઠળ FIR નોંધી હતી. પરંતુ PI રાઠોડે ચાલાકી એ કરી કે આ ઘટના નવજીવન ન્યૂઝ મારફતે જાહેર કરનાર પત્રકાર તુષાર બસિયાનું નામ પણ આરોપીમાં ઘૂસાડી દીધું ! આવું એ જ પોલીસ અધિકારી કરી શકે જે નશાની હાલતમાં હોય ! અથવા પત્રકારને હેરાન કરવાનો ત્રાહિત હેતુ હોય !
પોલીસે જે FIR 12 દિવસ બાદ નોંધી છે તેનું કારણ FIRમાં લખે છે કે “ફરિયાદી જે તે વખતે ફરિયાદ આપવા માંગતા ન હતા, પરંતુ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી ફરિયાદ આપી છે.”
ફરિયાદી લખાવે છે કે “જ્યારે છેડતીના દિવસે જ સોસાયટીના CCTV ફૂટેજ લઈને બાળાની માતા તથા રીધ્ધિ-સીધ્ધિ સોસાયટીના માણસો મહિલા હેલ્પ લાઈનની ગાડીમાં બેસી સિંગણપોર પોલીસ સ્ટેશને ગયેલ. અમો સામાન્ય કક્ષાના હોવાથી તથા બાળાની ઓળખ છતી ન થાય તે હેતુથી તે દિવસે ફરિયાદ આપેલ નહીં. પરંતુ 24 જાન્યુઆરી 2024ના રોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયેલ, જેમાં તુષાર બસિયાએ ‘મરાઠી કામવાળી બહેન’ની દીકરી એવો ઉલ્લેખ કરેલ છે. જેથી બાળાની ઓળખ છતી થયેલ છે. અમારી સંમતિ વિના ઓળખ છતી કરેલ છે. અમારી દીકરીની વધુ બદનામી કરેલ છે. જેથી છેડતી કરનાર ઈસમ તથા તુષાર બસિયા સામે કાયદેસર થવા ફરિયાદ છે.”
થોડાં પ્રશ્નો : [1] પત્રકાર તુષાર બસિયા સામે માત્ર બાળાની ઓળખ છતી કરી તેટલો જ આક્ષેપ છે, પરંતુ સુરત પોલીસની અવળચંડાઈ જૂઓ તુષાર બસિયાએ 24 જાન્યુઆરી 2024ના રોજ અહેવાલ આપ્યો કે તરત જ તેમનું નામ FIRમાં ઘૂસાડી દીધું. જ્યારે બાળાની છેડતી કરવાના ગંભીર ગુનામાં FIR નોંધતા સુરત પોલીસે 12 દિવસનો સમય કાઢી નાખ્યો ! શું સુરત પોલીસની દાનત ખોરી નથી? [2] મેં તુષાર બસિયાએ જે અહેવાલ આપેલ છે તે જોયો છે, તેમાં બાળાની ઓળખ છતી ન થાય તે માટે તેમણે કાળજી લીધી છે, બાળાનો ચહેરો બ્લર કરેલ છે, બાળાનું નામ કે તેના માતા-પિતા-ભાઈ કોઈનું નામ લીધેલ નથી. ‘મરાઠી કામવાળી બહેન’નો ઉલ્લેખ કરેલ છે તેથી બાળા કે તેના પરિવારની ઓળખ છતી થઈ ગઈ એવું સુરત પોલીસ માને તે તેમનું મનસ્વિપણું કહેવાય ! પરંતુ જો તુષાર બસિયાએ આ અહેવાલ પ્રસિદ્ધ ન કર્યો હોત તો સીંગણપોર પોલીસે હજુ પણ FIR નોંધી હોત ખરી? [3] સુરત પોલીસે FIRમાં બચાવ કર્યો છે કે ફરિયાદી, ફરિયાદ કરવા ઈચ્છતા ન હતા એટલે પોલીસે IPC કલમ 234A/ પોક્સો એકેક્ટ કલમ-8, 23(1) (2)નો ગુનો નોંધ્યો ન હતો ! જો ફરિયાદી તૈયાર ન હોય તો 12 જાન્યુઆરી 2024 ના રોજ ગંભીર ગુનાની જાણ સીંગણપોર પોલીસ સ્ટેશનને થઈ હતી ત્યારે જ સરકાર વતી પોલીસે FIR કેમ નોંધાવી નહીં? શું સુરત પોલીસ લોકોને મૂરખ સમજતી હશે? 12 દિવસ સુધી ગંભીર કોગ્નિઝેબલ ગુનાની જાણ હોવા છતાં FIR નહીં નોંધનાર PI રાઠોડ સામે સુરતના પોલીસ કમિશ્નર અજય તોમરે શિક્ષાત્મક કાર્યવાહી શામાટે કરી નથી? [4] જાહેર રોડ પર બાળાની છેડતી કરનાર ઈસમ સામે કાર્યવાહી ન કરનાર સીંગણપોર PI રાઠોડ એક નિર્દોષ પત્રકારને ગંભીર ગુનામાં ખોટી રીતે સંડોવીને શું સાબિત કરવા માંગે છે? શું PI રાઠોડે પોલીસ કમિશ્નર અજય તોમરની સૂચનાથી આવી મૂર્ખાઈ કરી હશે? અજય તોમરને 29 જાન્યુઆરી 2024ના રોજ સુપ્રિમકોર્ટ સમક્ષ હાજર રહેવાનું છે, અને તે અંગે નવજીવન ન્યૂઝે અહેવાલો પ્રસિદ્ધ કર્યા એટલે સુરત પોલીસને, પત્રકાર તુષાર બસિયાની ખોટી રીતે સંડોવણી કરવાની કુબુદ્ધિ સૂઝી હશે? [5] પત્રકાર તુષાર બસિયાએ પોતાનો પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે, કોઈ કાયદાનો/નિયમોનો ભંગ કરેલ નથી, છતાં ગંભીર ગુનાની FIRમાં તેમનું નામ ખોટી રીતે ઉમેરીને PI રાઠોડે અને પોલીસ કમિશ્નર અજય તોમરે તુષાર બસિયાની જાણીજોઈને બદનક્ષી કરી છે ! તેમની છબિ ખરડવાની ઈરાદાપૂર્વક કોશિશ કરી છે. પત્રકાર તુષાર બસિયા સામે ગુનો દાખલ કરનાર સુરત પોલીસને કાયદાનું જ્ઞાન નહીં હોય? શું રાજ્યના DGP/ ગૃહ સચિવ સુરત પોલીસને કાયદાનો દુરુપયોગ અટકાવવા સૂચના આપશે?rs

[wptube id="1252022"]
Back to top button