
તા.૨૨/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ડ્રોન, જી.પી.આર, લાઇડાર જેવી ટેક્નોલોજીનો સ્મારકોના સંરક્ષણમાં થનારા ઉપયોગ વિષે માહિતી અપાઇ
Rajkot: વિશ્વ સંસ્થા UNESCO દ્વારા આપણી સંસ્કૃતિ, વારસો અને ઈમારતો વિષે લોકજાગૃતિ કેળવવાના ભાગરૂપે તા.૧૯ થી ૨૫ નવેમ્બર દરમ્યાન “વર્લ્ડ હેરિટેજ વીક”ની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક, ગુજરાત સરકાર દ્વારા કાર્યરત સહાયક પુરાતત્વ નિયામકની કચેરી, પશ્ચિમ વર્તુળ અને વોટસન મ્યુઝિયમ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે પી.ડીપી.યુ.(ગાંધીનગર)ના સહયોગથી આજ રોજ ખંભાલીડાની ગુફાઓ ખાતે ડ્રોન, જી.પી.આર., લાઇડાર જેવી ટેક્નોલોજીનો સ્મારકના સંરક્ષણમાં થઇ શકનારા ઉપયોગો પર સ્થળ પર જ નિદર્શન આપી ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

રાજયના પુરાતત્વ વિભાગ દ્વારા ખંભાલીડાની ગુફાઓ ખાતે સંરક્ષણની કામગીરી ચાલી રહી છે જેમાં આ વર્કશોપના આયોજનથી ભાવિ પેઢીમાં ટેક્નોલોજી દ્વારા ઇમારતોની સાચવણી અને તેના પાયાથી લઈને શિલ્પકલાને સમજવા માટે નવી દિશાઓ ખુલશે, તેવું રાજકોટના સહાયક પુરાતત્ત્વ નિયામકશ્રી કુ. સિદ્ધા કે. શાહે જણાવ્યું હતું.આ વર્કશોપમાં વોટસન મ્યુઝીયમના ક્યુરેટરશ્રી સંગીતાબેન રામાનુજે ઉપસ્થિત વિદ્યાર્થીઓને પુરાતત્વના મહત્વ અને તેની જાળવણી વિશે અને આ સાઈટના સંશોધક શ્રી પી.પી.પંડ્યાના યોગદાન અંગે પણ માહિતી આપી હતી.

અત્રે પી.ડી.પી.યુ.ના આસી. પ્રોફસરશ્રી ડો.રાજેશ ગુજર તેમજ વિદ્યાર્થી ડો.હીરકરાજ બાપટે આ ટેક્નોલોજીના ઉપયોગ અને તેની વિગતોથી ઉપસ્થિતોને અવગત કરાવ્યા હતા. આ ટેકનોલોજીનો અભ્યાસ કેવી રીતે થઈ શકે તેમજ વિવિધ પ્રોજેક્ટનું કામ અને જી.પી.આર.નું નિદર્શન બતાવી ગુફાના આર્કીટેક્ચરથી માહિતગાર કરી વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરીના માધ્યમથી વિશિષ્ટ જાણકારી પુરી પાડી હતી. તમામ વિદ્યાર્થીઓ ગુફાઓને નિહાળી અને તેને અભ્યાસ સાથે જોડીને કઈ રીતે ભવિષ્યમાં તેનું જતન કરવું તે માટે સજજ થયા હતા.

આ કાર્યક્રમમાં શ્રી હાર્દિક જોષી, પી.ડી.પી.યુ.ના નિષ્ણાતોની ટીમ, IPSA આર્કિટેકચર કોલેજના વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરો તથા અન્ય આર્કિટેકચર ફર્મના પ્રતિનિધિશ્રીઓ જોડાયા હતા.








