ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં ધારાસભ્ય સર્વેશ્રીઓના અધ્યક્ષસ્થાને લાભાર્થીઓનો ગૃહપ્રવેશ, ખાતમુહૂર્તનો સમાંતર કાર્યક્રમ યોજાયો

*સરકારે જીવન ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી, શક્ય એટલા તમામને લાભ આપવા સરકાર કટિબદ્ધ અને ચિંતિત છે – ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણા*
***
*સ્વમાનની ગેરેંટી, સાથે પ્રેમ, હુંફ અને સુવિધાઓનું સરનામું એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના – જિલ્લા સમાહર્તા શ્રી તુષાર સુમેરા*
***
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ભરૂચના પાંચ વિધાનસભા ક્ષેત્રોના ૨૨૬૩ આવાસોનું ઈ-લોકાર્પણ*
***
ભરૂચ – શનિવાર – આંતર માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસોના ઈ – લોકાપર્ણ અને ખાતમુહૂર્તનો મહત્વનો કાર્યક્રમ આજરોજ ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં એક સાથે યોજાયો હતો. ત્યારે ભરૂચ જિલ્લા મતવિસ્તારમાં પણ વિવિધ સ્થળોએ સમાંતર કાર્યક્રમ યોજાયા, જેને અનુલક્ષીને ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણાના અધ્યક્ષસ્થાને વાગરા વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ રાજપૂત છાત્રાલય હોસ્ટેલ ગ્રાઉન્ડની પાછળ ભરૂચ ખાતે યોજાયો હતો.
આ તકે, ગણેશ વંદના અને સ્વાગત બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્ર્મનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ વેળાએ, વિવિધ સ્કૂલના ભૂલકાંઓએ સાંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કર્યા હતા.
આ પ્રસંગે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભ લીધેલા લાભાર્થીઓએ સ્ટેજ પરથી પોતાના પ્રતિભાવ વર્ણવ્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને થી ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણાએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર ગરીબ લોકોની ખાસ ચિંતા કરી સતત મહેનત કરી રહી છે. સરકારે જીવન ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી શક્ય એટલા તમામને લાભ આપવા સરકાર કટિબદ્ધ અને ચિંતિત છે.
આપણા યશસ્વી વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિ અને નિર્ણાયક નેતૃત્વ થકી વિકસિત ભારતના લક્ષ્યાંક સુધી પહોચવાનું અને તે સ્વપ્નને ચરિતાર્થ કરવા નાનકડું એક પગલું ભરી ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં એક લાખ કરાતાં પણ વધુ આવસોનું ઈ- લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનાર છે. ત્યારે જ કહી શકાય કે મોદી એટલે ગેરંટીની પણ ગેરંટી.
વધુમાં, તેમણે કહ્યું કે, થોડા સમય અગાઉ આપણા વાગરા મતવિસ્તારના ગામે – ગામે ખાટ પરિસદ યોજી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્રોમ આપણે ભર્યા હતાં. એનું પરિણામ ફળ્યું છે અને એટલે જ આપણા મતવિસ્તાર માટે અંદાજિત ૨૧૦૦ જેટલાં નવા આવાસો પાસ થયાં છે. એમ કહેતા ધારાસભ્યશ્રીએ દ્રઢ નિર્ણય સાથે આગામી ૨૦૨૮ સુધીમાં પાત્રતા ધરાવતાં તમામને આવાસનો લાભ મળે તેવી નેમ વ્યક્ત કરી હતી. આજે વડાપ્રધાનના હસ્તે વાગરા વિધાનસભા મતવિસ્તારના ૨૧૬ જેટલા આવાસોનું ઈ- લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થયુ હતું.
સરકારની ઉપલબ્ધીઓ જણાવતા તેમણે કહ્યું કે, સરકાર તમામ વર્ગની ચિંતા કરતાં ખેડૂતો માટે સ્વમાન નિધિ યોજનાં, કિશાન ક્રેડિટ કાર્ડ, આયુષ્માન કાર્ડ યોજના, ઉજ્વવલા યોજના, વિશ્વકર્મા યોજના, ગંગા સ્વરૂપા યોજના, વૃદ્ધ પેન્શન યોજનાઓ જેવી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી ગરીબ લોકોની સતત પડખે સરકાર ઉભી રહી છે. અંતે, પોતાના મતવિસ્તારમાં થઈ વિસ્તારમાં થઈ રહેલા રોડ- રસ્તા, પાણી જેવી બીજી માળખાકીય સુવિધાઓની તેમણે વાત કરી હતી.
આ વેળાએ, જિલ્લા સમાહર્તા શ્રી તુષાર સુમેરાએ કહ્યું હતું કે, વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ પર યોજાઈ રહેલાં કાર્યક્રમ અન્વયે આવાસ સ્કીમ હેઠળ જોડાયેલાં તમામ વ્યક્તિઓ, કર્મચારીઓ અને અધિકારીઓએ ગર્વ સાથે આંનદ લેવા જેવું અને આખી જીંદગી આશીર્વાદ લેઈ શકાય તેવું કામ છે. એક છતનું મહત્વ ગરીબ અને તવંગર તમામ માટે સરખું છે છતાં ગરીબ વર્ગના લોકો માટે તેની કિંમત સવિશેષ છે. ત્યારે આવાસ યોજના હેઠળ ઘરનું ઘર બનાવવા સરકાર સહાય પુરી પાડી સમાજમાં સ્વમાનની ગેરેંટી પૂરી પાડી રહી છે. એટલે જ કહી શકાય છે કે, સ્વમાનની ગેરેંટી, સાથે પ્રેમ, હુંફ અને સુવિધાઓનું સરનામું એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના. આ કાર્યક્રમ અન્વયે ભરૂચ જિલ્લા ખાતે ૨૨૬૩ જેટલા આવસોનું ઈ- લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનાર છે.
વધુમાં, તેમણે આવાસનો લાભ મળનાર તમામને શુભેચ્છાઓ પાઢવી હતી. અને જિલ્લામાં પાત્રતા ધરાવતા તમામને તબક્કાવાર આવાસ યોજનાનો લાભ મળશે રહે તેવી નેમ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમને અંતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પુર્ણ થયેલાં આવાસ યોજનાંના લાભાર્થીઓને સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક ચાવી વિતરણ કરાઈ હતી.
વિકસિત ભારતનો સેલ્ફી પોઇન્ટ પર લોકોએ આધુનિક ઇન્ફાસ્ટ્રક્ચર, નિર્યાયક નેતૃત્વ અને તમે ! વિકસિત ભારતના ત્રણ ત્રણ પ્રતીક એક સાથે, એક તસવીરના સ્ટેચ્યુ પાસે લોકોએ સેલ્ફીઓ લીધી હતી.
આ પ્રસંગે, વાગરા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભૂપતસિંહ વાઘેલા, તાલુકાના પધાધિકારીઓ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતિ નૈતિકા પટેલ, નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી શ્રી અમિત પરમાર, ભરૂચ ગ્રામ્ય મામલદાર શ્રીમતિ માધવી મિસ્ત્રી, વાગરા મામલદાર શ્રીમતિ મીનાબેન પટેલ, તેમજ અન્ય પધાધિકારીઓ અને આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લા ખાતે કુલ ૨૨૬૩ જેટલા આવસોનું ઈ- લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. જેમાં ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં BAPS સ્વામિનારાયણ મંદિર ઝાડેશ્વર ભરૂચ ખાતે યોજાયેલા સભારંભમાં ૬૫ પ્રધાનમંત્રી આવાસોનું લોકાપર્ણ, અંકલેશ્વર- હાંસોટ વિધાનસભા મતવિસ્તાર યોજાયેલા લાભાર્થીઓનો સમારોહમાં ૩૫૧ પ્રધાનમંત્રી આવાસોનું લોકાપર્ણ, જંબુસર / આમોદ વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૧૪ જેટલા આવાસોનું લોકાપર્ણ જ્યારે ઝઘડીયા વિધાનસભા મતવિસ્તારના જેસપોર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૧૫૧૭ જેટલા આવાસોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.