
તા.૨૯/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આસિસ્ટન્ટ રીટર્નિંગ ઓફિસર(એ.આર.ઓ.)ના સર્ટિફિકેશન પ્રોગ્રામનો આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેકટર ઓફિસ અને જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આ તાલીમનું આયોજન કરાયું છે. જેને આજરોજ રાજકોટ ખાતે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે નિવાસી અધિક કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ચેતન ગાંધીએ તમામ અધિકારીશ્રીઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, દરેક ચૂંટણીઓમાં કોઈને કોઈ વિશિષ્ટતા રહેલી હોય છે, નિયમોને આધીન રહીને ચુંટણી પ્રક્રિયામાં જોડાનારા અધિકારીઓ તનાવમુકત રહીને સારી રીતે કામગીરી બજાવી શકે તે માટે આ પ્રકારે રીફ્રેશમેન્ટ તાલીમનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે, તમામ અધિકારીઓ ખૂબ સારી રીતે આ તાલીમનો લાભ મેળવે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

જુદા જુદા વક્તાઓ પૈકીશ્રી કલ્પેશ અનડકટે પ્રથમ સેશનમાં આસિસ્ટન્ટ રીટર્નિંગ ઓફિસર તરીકેના નિયમો અને ફરજો અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી માર્ગદર્શન આપી ચૂંટણીમાં રીટર્નિંગ ઓફિસરની સાથે ખભો ખભો મિલાવી કઈ રીતે સારામાં સારી રીતે ચૂંટણી પ્રક્રિયાને પૂર્ણ કરવી તે અંગે ચૂંટણીલક્ષી કલમો અને અન્ય બાબતો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજકોટ ખાતે ૨૯ જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી સુધી પ્રથમ બેચ તેમજ પાંચમી ફેબ્રુઆરીથી નવમી ફેબ્રુઆરી સુધી બીજી બેચ મળી કુલ ૯૫ જેટલા એ.આર.ઓ. ને તાલીમ આપવામાં આવશે. ચૂંટણી આયોગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારીઓ સર્વે શ્રી કલ્પેશ ઉનડકટ, શ્રી પ્રવસ જૈન, શ્રી વાય.પી. સિંઘ, શ્રી કુંજલ શાહ, શ્રી મોહનકુમાર વગેરે અધિકારીઓ વિવિધ વિષયો પર તેમનું માર્ગદર્શક વ્યાખ્યાન આપશે.

આજથી શરુ થયેલ આ તાલીકા કાર્યક્રમમાં પ્રથમ બેચમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહીસાગર, મોરબી, અરવલ્લી, અમરેલી, ખેડા, બોટાદ, ભાવનગર, વડોદરા, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર તેમજ રાજકોટ જિલ્લાના એ.આર.ઓ.ને તાલીમ પૂરી પાડવામાં આવશે.
આ તાલીમમાં પ્રાંત અધિકારીશ્રી કે.જી.ચૌધરી અને શ્રી રાજેશ આલ, ચૂંટણી મામલતદાર શ્રી એમ.ડી.દવે, તાલીમ નાયબ મામલતદાર શ્રી સી.વી.કુકડીયા, નાયબ મામલતદાર શ્રી વિક્રમસિંહ ઝાલા તેમજ ચૂંટણી શાખાના સહયોગ સાથે વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ચૂંટણી અધિકારીશ્રીઓ જોડાયા હતા








