
તા.૨૫/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: જિલ્લા રોજગાર કચેરી અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના સંયુકત ઉપક્રમે રાજકોટ જિલ્લાના યુવા ઉમેદવારો માટે શાપર ખાતે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાની પ્રેરક ઉપસ્થિતિમાં “મેગા રોજગાર ભરતી મેળાનું” આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે શ્રી રમેશભાઈ ટીલાળાએ દરેક ઉમેદવારોને પોતાની કારકિર્દી અંગેના દરેક પાસાઓ વિશે વિચારીને નોકરીની શરૂઆત કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. જેઓ કર્મનિષ્ઠ છે તેમના માટે આગળ વધવાની વિપુલ તકો છે. કંપનીઓ દ્વારા પણ કર્મચારીઓને બધી જ ફેસિલિટી આપવામાં આવે છે.
વધુમાં લોઠડા- પડવલા-પિપલાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખશ્રી જ્યંતિભાઈ સરધારા અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખશ્રી કિશોરભાઈ ટીલાળાએ પણ ઉમેદવારોને તકનો પૂરો લાભ લેવા આહવાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જિલ્લાના ૫૩ જેટલાં અગ્રગણ્ય ઔદ્યોગિક એકમોમાં બહોળા પ્રમાણમાં રોજગારી આપવાના ઉમદા હેતુથી યોજાયેલા આ ભરતી મેળામાં ૨૭૦ થી વધુ યુવા ભાઈ-બહેનોએ હાજર રહી ઉમેદવારી નોંધાવી હતી.
આ કાર્યક્રમમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના હોદ્દેદાર શ્રી અમૃતભાઈ ગઢિયા, શ્રી રસિકભાઈ પટેલ, શ્રી અશોકભાઈ ટીલવા, શ્રી અશ્વિનભાઈ વસાણી, શ્રી પ્રકાશભાઈ ટીલારા, શ્રી વિનુભાઈ ધડુક અને હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખશ્રી પ્રવિણભાઇ જસાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રોજગાર વિનિમય કચેરીની ટીમની જહેમત બદલ ઉપસ્થિત સૌએ સંતોષ વ્યક્ત કર્યો હતો.