રશિયાના કબજા હેઠળના યુક્રેનમાં ભીષણ ગોળીબાર, 25ના મોત; કેમિકલ ટ્રાન્સપોર્ટ ટર્મિનલમાં પણ વિસ્ફોટ

કિવ. રશિયાના કબજા હેઠળના શહેર ડોનેત્સ્કની બહારના બજારમાં રવિવારે ભારે ગોળીબારમાં 25 લોકો માર્યા ગયા હતા. રશિયન-સંગઠિત નગરના મેયર એલેક્સી કુલેમગિને જણાવ્યું હતું કે ટેકસ્ટિલશ્ચિકના ઉપનગર પર થયેલા હુમલામાં બે બાળકો સહિત 20 અન્ય લોકો ઘાયલ થયા છે.
મેયર એલેક્સી કુલેમઝિને દાવો કર્યો હતો કે યુક્રેનની સેના દ્વારા શેલ છોડવામાં આવ્યા હતા. જો કે કિવે હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.
અહીં રવિવારે જ રશિયાના ઉસ્ટ-લુગા બંદર પર કેમિકલ ટ્રાન્સપોર્ટ ટર્મિનલમાં બે વિસ્ફોટ બાદ આગ લાગી હતી. સ્થાનિક મીડિયા અનુસાર યુક્રેન દ્વારા ડ્રોન વડે પોર્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી ગેસ ટેન્કમાં વિસ્ફોટ થયો. રશિયાના કુદરતી ગેસના બીજા સૌથી મોટા ઉત્પાદક નોવાટેકના સ્થળે આગ ફાટી નીકળી હતી.રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જિલ્લાને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે.
રશિયન સેનાએ યુક્રેનના ખાર્કિવ ક્ષેત્રના ગામ ક્રોખમાલ્ને પર નિયંત્રણ સ્થાપિત કર્યું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે આ માહિતી આપી હતી અને યુક્રેનની સેનાના પ્રવક્તાએ પણ તેની પુષ્ટિ કરી હતી. આ પહેલા ગુરુવારે રશિયાના રક્ષા મંત્રાલયે યુક્રેનના પૂર્વી ડોનેત્સ્કમાં વેસ્લે નામની વસાહતને કબજે કરવાની જાણકારી આપી હતી.






