
“રામમંદિર આંદોલન સાથે જેડાયેલ નેતાઓએ જો જિદ્દી વલણ અપનાવ્યું ન હોત તો અયોધ્યામાં રામંદિર અગાઉ બની ગયું હોત ! પરંતુ ‘મંદિર વહીં બનાયેંગે’ની અવિવેકી જિદ્દના કારણે તેમાં બહુ મોડું થયું. જો બાબરી મસ્જિદના ઢાંચાને ધ્વસ્ત કર્યા વગર મંદિર બનત તો રામની મર્યાદા અને આદર્શોને અનુકૂળ રહેત. તેનાથી દેશમાં સદ્દભાવનું વાતાવરણ બનત, સાથે દુનિયા ભરમાં ભારતની જ નહીં, હિન્દુ સમાજની અને હિન્દુત્વની પ્રતિષ્ઠા વધત !” આવું કોઈ વામપંથીએ/ કોંગ્રેસીએ/ મુસ્લિમે કહ્યું નથી, પરંતુ હિમાચલ પ્રદેશમાં 2 વખત મુખ્યમંત્રી/ 6 વરસ કેન્દ્રમાં મિનિસ્ટર રહેનાર અને સત્તાપક્ષના સ્થાપક પૈકી એક શાંતાકુમારે 5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાને રામમંદિરનું ભૂમિપૂજન કરેલ ત્યારે કહ્યું હતું !
શાંતાકુમાર હાલ 89 વરસના છે અને હિમાચલ પ્રદેશના પાલનપુરમાં રહે છે. તેમને પણ 22 જાન્યુઆરી 2024ના રોજ આયોજિત રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ આપવામાં આવ્યું નથી ! શાંતાકુમાર ઈચ્છતા હતા કે બાબરી મસ્જિદનો ઢાંચો જેમનો તેમ રાખીને રામમંદિર બનાવવું જોઈએ. આવું જ રાજસ્થાનના તત્કાલિક મુખ્યમંત્રી અને બાદમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ રહેલ ભૈરોંસિંહ શેખાવત પણ ઈચ્છતા હતા. સંઘ પરિવારે 1989થી 2019 સુધી રામમંદિરના મુદ્દાને પોતાના ઘોષણાપત્રમાં મહત્વ આપ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદે પણ આ મુદ્દો ઉછાળ્યો હતો. રામમંદિરના મુદ્દાને સ્થાન મળતા સત્તાપક્ષનો ગ્રાફ ઉપરની તરફ જવા લાગ્યો. 1998માં કેન્દ્રમાં સત્તા મળી પરંતુ સહયોગી પક્ષોના દબાણના કારણે 10 વરસ સુધી રામમંદિરનો મુદ્દો એક બાજુએ મૂકવો પડ્યો. 2009માં વડાપ્રધાન પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી હતા ત્યાં સુધી રામમંદિરનો મુદ્દો હાંસિયામાં રહ્યો. 2014ની ચૂંટણી પણ ભાજપે વિકાસ અને રાષ્ટ્રવાદના નામે લડી. પરંતુ 2019ની ચૂંટણી વેળાએ રામમંદિરનો મુદ્દો સત્તાપક્ષના એજેન્ડામાં આવ્યો. 2024ની ચૂંટણીમાં આ મુદ્દો પ્રમુખસ્થાને રહેશે.
વિશ્વ હિન્દુ પરિષદની આગેવાનીમાં સંઘ પરિવારે રામમંદિરના મુદ્દાને શક્તિ પ્રદર્શનનો બનાવી દીધો. અને કહ્યું કે ‘અમારે કોઈની અનુકંપાથી રામમંદિર નથી જોઈતું, અમે અમારી તાકાતથી મેળવીશું !’ સંઘ પરિવાર જાણતો હતો કે આ બાબત કાનૂની દ્રષ્ટિએ કમજોર છે. એટલે 1990 માં સોમનાથથી અયોધ્યાની રથયાત્રા શરુ કરી અને અડવાણીજીએ ઠેરઠેર ઘોષણા કરી કે ‘આ અમારી આસ્થાનો વિષય છે. અને આસ્થા સાથે જોડાયેલ બાબતમાં કોર્ટ માથું મારી શકે નહીં !’ કાનૂની દ્રષ્ટિએ રામમંદિર આંદોલનનો પક્ષ ઘણો નબળો હોવાથી કેટલાંક ભાજપ નેતાઓ ઈચ્છતા હતા કે આ મુદ્દાનો નિકાલ સમાધાન-વાતચીતથી કરવો જોઈએ. વિશ્વનાથ પ્રતાપસિંહ અને ચંદ્રશેખરે વડાપ્રધાન તરીકે પ્રયાસ કર્યા હતા. ચંદ્રશેખર સરકાર વેળાએ એક વખત આ મુદ્દે સમાધાન સુધી વાત પહોંચી ત્યારે હિન્દુ પરિષદ/ ભાજપના કેટલાંક નેતાઓની જિદ્દના કારણે સમાધાન અટક્યું ! 1991માં જ્યારે નરસિંહ રાવ વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે આ મુદ્દે વાતચીત દ્વારા નિકાલ લાવવા ભાજપ શાસિત રાજસ્થાન/ હિમાચલ પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રીઓ ભૈરોંસિંહ શેખાવત અને શાંતાકુમાર મારફતે પ્રયાસ કર્યો હતો.
શાંતાકુમાર કહે છે : “મને અને ભૈરોંસિંહ શેખાવતને નરસિંહ રાવે બોલાવ્યા. નરસિંહ રાવે બહુ ભાવુક થઈને અમને કહ્યું કે ‘શું આપ એવું માનો છો કે હું હિન્દુ નથી? હું કોઈથી ઓછો હિન્દુ નથી. હું ઈચ્છું છું કે અયોધ્યામાં રામમંદિર બને. પરંતુ આપની પાર્ટી એ વિવાદી જગ્યા પર જ મંદિર બનાવવા શામાટે જિદ્દ કરે છે? એ જગ્યા છોડો. ત્યાં મંદિર બનાવવા બીજી પણ યોગ્ય જગ્યા છે. જેટલી જોઈએ એટલી લઈ લો અને ભવ્ય મંદિર બનાઓ ! હું પણ આપ સૌની સાથે રહીશ. બધાં મળીને ભવ્ય મંદિર બનાવીએ. મંદિર બનાવવા કોઈ સંસાધનની કોઈ અછત નહીં રહે ! વિવાદી જગ્યા છોડી દેવાથી આખા દેશમાં સદ્દભાવનું વાતાવરણ બનશે. અને દુનિયાભરમાં ભારતની ઈજ્જત વધશે !’ અમે બન્નેએ સહમતી દર્શાવી. નરસિંહ રાવે કહ્યું : ‘આપ ભાજપના અન્ય મુખ્યમંત્રીઓને તથા બાજપાઈ અને અડવાણીને સમજાવો !’ એ પછી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કલ્યાણસિહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સુંદરલાલ પટવા સાથે અમે વાત કરી. તેઓ પણ સહમત થયા. અમે ચારેય મુખ્યમંત્રીઓ પહેલાં બાજપાઈની મળ્યા. નરસિંહ રાવ સાથે થયેલ વાતચીત જણાવી. બાજપાઈએ કહ્યું : ‘જો આવું થતું હોય તો આનાથી સારી બાબત બીજી કોઈ હોઈ શકે નહીં. પરંતુ એનું શું કરશો જે કહે છે કે કસમ રામ કી ખાતે હૈં- એમને જઈને મનાવો !’ 1984માં લોકસભા ચૂંટણીમાં માત્ર 2 બેઠકો સુધી ભાજપ સમેટાઈ ગયેલ એટલે સંઘ નેતૃત્વના ઈશારે બાજપાઈને હાંસિયામાં ધકેલી અડવાણીને પાર્ટીનું સઘળું સુકાન સોંપી દીધું હતું. રામમંદિરના મુદ્દે આક્રમક વલણ લઈ અડવાણીજી સંઘના પ્રિય બન્યા હતા. 1989ની ચૂંટણીમાં ભાજપ 99 સાંસદો વાળી પાર્ટી બની હતી. અડવાણીની મહત્વાકાંક્ષા વધી રહી હતી. અમે ચારેય મુખ્યમંત્રીઓ બાજપાઈ પાસેથી નિકળી અડવાણીજી પાસે પહોંચ્યા. અમે બધી વાત કરી અને કહ્યું કે ‘એ મસ્જિદને રાજનીતિક દ્રષ્ટિએ પણ રાખવી જરુરી છે, જેથી આવનારી પેઢીઓ જાણી શકે અને યાદ રાખી શકે કે વિદેશી આક્રાંતાઓએ અહીં મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી ! 1948 પછી એ મસ્જિદમાં ક્યારેય નમાજ થઈ નથી. તેનાથી થોડે દૂર મંદિર બની જતા તે ઈમારત એક ઢાંચો માત્ર રહી જશે.’ અડવાણીજીએ અમારી વાત સાંભળ્યા બાદ કહ્યું : ‘આંદોલન હવે બહુ આગળ વધી ગયું છે !’ 6 ડીસેમ્બર 1992 પહેલાં ભુવનેશ્વરમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠક મળી હતી. એ બેઠકમાં અમે ચારેય મુખ્યમંત્રીઓ હાજર હતા. કલ્યાણસિંહે અમને કહ્યું કે ‘6 ડીસેમ્બરના રોજ અયોધ્યામાં હજારોની સંખ્યામાં કારસેવકો આવશે. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા સુપ્રિમકોર્ટમાં સોગંદનામું કરેલ છે કે બાબરી મસ્જિદનું કોઈ પણ કિંમતે રક્ષણ કરવામાં આવશે. હું બળપ્રયોગના પક્ષમાં નથી. પરંતુ બળપ્રયોગ વિના મસ્જિદ બચાવવી મુશ્કેલ છે.’ અમે ચારેય મુખ્યમંત્રીઓએ નક્કી કર્યુ કે ભૈરોંસિહ શેખાવત કાર્યસમિતિ સમક્ષ મુદ્દો ઊઠાવશે અને રસ્તો કાઢશે જેથી મસ્જિદ પણ બચે અને બળપ્રયોગની જરુર ન પડે. કાર્યસમિતિની બેઠકમાં અયોધ્યાનો મુદ્દો છવાયેલો રહ્યો અને ‘જય શ્રીરામ’ના નારા સાથે બેઠકનો માહોલ એવો હતો કે કોઈની હિમ્મત ન ચાલી. જ્યારે બેઠક સમાપ્ત થવાનો સમય નજીક આવ્યો ત્યારે મેં ઊભા થઈને કહ્યું : ‘આપણે અયોધ્યામાં મોટી સંખ્યામાં ભીડ તો એકત્ર કરીએ છીએ, પરંતુ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ઉત્તરપ્રદેશમાં આપણે વિપક્ષમાં નથી. સત્તામાં છીએ. આપણી સરકારે સુપ્રિમકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે કે મસ્જિદની જાળવણી કરીશું.’ આટલું હું બોલ્યો ત્યાં ‘બેસી જાવ, બેસી જાવ’નો દેકારો શરુ થઈ ગયો. અને એ ગોકીરા વચ્ચે બેઠક સમાપ્તિની ઘોષણા થઈ ગઈ ! 6 ડીસેમ્બરે અમારી આશંકા સાચી પડી…હવે સુપ્રિમકોર્ટના આદેશથી અયોધ્યામાં મંદિર બની રહ્યું છે. પરંતુ હું આજે પણ માનું છું કે 6 ડીસેમ્બર 1992 ના રોજ મસ્જિદ ધ્વસ્ત કરવાથી હિન્દુત્વનું કંઈ ભલું નથી થયું, ઉલટાનું ભારે નુકસાન થયેલ છે. એ ઘટના બાદ દેશભરમાં કેટલીય જગ્યાએ દંગા થયા, સેંકડો લોકોના જીવ ગયા, ભાજપ શાસિત ચાર રાજ્ય સરકારો કસમયે બરખાસ્ત કરવામાં આવી. એ ઉપરાંત હિન્દુઓ પર મસ્જિદ તોડવાનું જે કલંક લાગ્યું તે તો ઈતિહાસમાં હંમેશા કાયમ જ રહેશે !”
સાર એટલો કે મુસોલિની/ હિટલર/ ગોડસે જેમના આદર્શ છે તે પક્ષમાં માનવમૂલ્યોની વાત કરનારની અંતે હાર થાય છે ![સૌજન્ય : વરિષ્ઠ પત્રકાર અનિલ જૈન, ‘જનચૌક’ 16 જાન્યુઆરી 2024]

[wptube id="1252022"]





