
વડોદરા શહેરમાં હરણી ખાતે મોટનાથ તળાવમાં બોટિંગ વેળાએ 18 જાન્યુઆરી 2024ના રોજ સાંજના 4.45 કલાકે મોટી ગોજારી ઘટના બની છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલના 2 શિક્ષકો અને ધોરણ 1થી 6ના 13 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે.
બોટની ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડ્યા હોવાથી બોટ પાણીમાં ડૂબી હતી. બાળકો/શિક્ષકોએ લાઈફ જેકેટ પહેર્યા ન હતા. લોકોએ 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લીધાં ! બચાવકાર્ય લોકોએ કર્યું, તંત્ર તો લાશો કાઢવા પાછળથી પહોંચું હતું ! મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના હજુ નજર સામે તરવરે છે, એ ડૂબતાં ભૂલકાઓની વેદના જોઈ શકાતી નથી, એમનો ઘૂંટાતો શ્વાસ, બચાવ માટેના તડફડિયાં, એ બધું હજુ મગજમાં ભમ્યા કરે છે ! ગોદી મીડિયા અને સરકારી ભક્તોને, તંત્રનો વાંક નહીં દેખાય, લોકોનો જ દોષ દેખાશે ! આ બોટની ક્ષમતા ચકાસવાની જવાબદારી પણ શિક્ષકો/ ભૂલકાંઓ પર ઢોળશે ! શું તંત્રએ લાંચ લઈ બધું રામભરોસે છોડી દેવાનું? તંત્રને જવાબદાર બનાવવું કામ સરકારનું નથી? શું કોઈ પણ માનવ સર્જિત દુર્ઘટનામાં આર્થિક ભ્રષ્ટાચાર હોતો નથી? વાલીઓના રુદનની/આંસુઓની કિંમત સરકારને હોય તો જ્યાં પણ બોટિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય તેની સેફટીની તાત્કાલિક ચકાસણી કરાવવી જોઈએ. સૌ પ્રથમ મજૂરને એરેસ્ટ કરવાને બદલે બોટિંગ કોન્ટ્રાક્ટરને અને જવાબદાર અધિકારીને એરેસ્ટ કરવા જોઈએ. સરકાર,એક બાળકની કિંમત 4 લાખ ગણી પોતાની જવાબદારીમાંથી છટકી જાય તે બંધ થવું જોઈએ.
થોડાં પ્રશ્નો : [1] સ્કૂલના શિક્ષકોની જવાબદારી થાય કે નહીં? આવા પ્રવાસની મંજૂરી આપતી વેળાએ તકેદારીના પગલાં અંગે કાળજી લીધી છે કે નહીં, તેની મેનેજમેન્ટે ખાત્રી કરવાની હોય કે નહીં? [2] ઊંડા પાણીમાં લાઈફ જેકેટ વિના પ્રવાસ થઈ શકે? શું જાણી જોઈને કરેલ ગંભીર ભૂલના કારણે આ મોત થયા નથી? બોટના કોન્ટ્રાક્ટરની/ ચાલકની જવાબદારી ગણાય કે નહીં? શું આ ગુનાહિત માનવવધનો ગુનો નથી? શું પોલીસ IPC કલમ-304 હેઠળ (આજીવન કેદ અથવા 10 વરસ સુધીની કેદ) FIR નોંધશે? [4] હોડીની ક્ષમતા દસથી 12 બાળકની હતી. છતાં તેમણે 25થી વધુ બાળકો એક જ હોડીમાં બેસાડ્યા હતા અને વજન વધી જતા આ અકસ્માત સર્જાયો હતો. શું બોટની કેપેસિટી કરતા વધુ બાળકો લાઈફ જેકેટ વિના બેસાડે તો બોટ માલિક/ ચાલકની જવાબદારી IPC કલમ-304 મુજબ બને કે નહીં? મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના વેળાએ શરુઆતમાં પોલીસે મજૂરોને એરેસ્ટ કરી જવાબદાર આરોપીઓને છાવર્યા હતા; આ દુર્ઘટનામાં પણ એવું થશે? મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર થઈ ગયો છે ! [5] વર્ષ 1993માં જન્માષ્ટમીના દિવસે સુરસાગર તળાવમાં બોટિંગની શરૂઆત થઈ હતી ત્યારે 20 વ્યક્તિઓની કેપેસિટીવાળી બોટમાં 38 લોકોને બેસાડી દેવાયા હતા. જેના કારણે બોટ પલ્ટી જતા 22 વ્યક્તિના મોત થયા હતા. તે ઘટનામાંથી તંત્રએ કોઈ બોધપાઠ કેમ લીધો નહીં હોય? [6] 1993ની દુર્ઘટનામાં મૃતકોના પરિવારને ન્યાય અને વળતર અપાવવા જાગૃત નાગરિક સંસ્થાના પુરુષોત્તમ મુરજાણીએ જિલ્લા ગ્રાહક કમિશન, રાજ્ય ગ્રાહક કમિશન અમદાવાદ, રાષ્ટ્રીય ગ્રાહક કમિશન અને છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે 17 પરિવારજનોના 22 મૃતકોને વળતર પેટે 1.39 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો હતો. 17 વર્ષની લડત બાદ મૃતકોના પરિવારજનોને વ્યાજ સાથે રુપિયા 1.39 કરોડ મહાનગર પાલિકાએ ચૂકવેલ. શું દર વખતે ન્યાય મેળવવા 17 વરસ સુધી લડાઈ લડવી પડે? ક્યાં છે સંવેદનશીલ સરકાર? ક્યાં છે સંવેદનશીલ તંત્ર?rs

[wptube id="1252022"]





