
તા.૧૫/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ નારી સંરક્ષણગૃહ ખાતે વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાઈ હતી. જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં જીલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેએ ઉપસ્થિત તમામ સભ્યશ્રીઓને નારી સંરક્ષણ ગૃહનો પ્રાથમિક પરિચય આપીને જરૂરિયાતમંદ બહેનોના આશ્રય તેમજ પુન:સ્થાપન, આશ્રિત બહેનોના બાળકોના શિક્ષણ, સંસ્થામાં ઉજવાતા વિવિધ તહેવારો, બહેનોને પગભર થવા માટે આપવામાં આવતી તાલીમ તેમજ વિવિધ સંસ્થાઓ સાથેના જોડાણ અંગેની માહિતી આપી હતી.


આ પ્રસંગે જજશ્રી નંદાણીયાએ સંસ્થામાં આશ્રિત બહેનોની સાથે સંવાદ કર્યો હતો તેમજ પીડિત બહેનોને કાનુની સેવા સત્તા મંડળનો સંપર્ક કરી નિ:સંકોચ મદદ મેળવવા અપીલ કરી હતી. આસી. કલેક્ટરશ્રી દેવાહુતીએ આશ્રિત બહેનો સાથે વાર્તાલાપ કર્યો હતો અને બહેનોએ બનાવેલ વસ્તુઓનું નિરીક્ષણ કરીને તેમની પ્રશંસા કરી હતી. બહેનોને એમના ભણતર પ્રમાણે સારૂ કામ અને વેતન મળે અને એમનો સર્વાંગી વિકાસ થાય તેવી કામગીરી હાથ ધરવા માટે તેઓશ્રીએ સુચનો કર્યા હતા.

આ બેઠકમાં બાળ કલ્યાણ સમિતિ અધ્યક્ષશ્રી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, નારીગૃહ મેનેજરશ્રી, પોલીસ વિભાગ, બાળ સુરક્ષા તેમજ સમાજ સુરક્ષા વિભાગ, આઈ.સી.ડી.એસ. વિભાગ, કાનૂની સેવા સત્તા મંડળ, આરોગ્ય વિભાગ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.








