GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ તાલુકાના અમરગઢ ભિચરી ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું ઉષ્માસભર સ્વાગત

તા.૬/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

“નાગરીકો માટે સરકાર પરિણામલક્ષી કામગીરી કરી રહી છે” – મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ

Rajkot: કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકો સુધી તેમના ઘર આંગણે પહોંચે તેવા આશયથી રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકામાં અમરગઢ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગ્રામજનોએ કુમકુમ તિલક અને સામૈયાં થકી સંકલ્પ યાત્રાના રથનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, દેશના જરૂરિયાતમંદ દરેક વર્ગને જીવન નિર્વાહની પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે સરકાર પ્રતિબદ્ધતા સાથે અવિરત કાર્યશીલ છે. ગુજરાતમાં જન જનનો વિકાસ થાય, પાત્રતા ધરાવતાં તમામ નાગરિકોને સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે, આરોગ્યલક્ષી સારવાર, આવાસ, વીજળીની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થાય, દરેક માતા – બહેનને ઘરનું ઘર મળે, સખીમંડળ થકી આર્થિક પગભર બને, રસોઈ માટે ચુલાના ધુમાડાથી મુક્તિ મળે તે માટે ગેસ કીટ મળે, વૃદ્ધોને જીવન નિર્વાહ માટે પેન્શન મળે તે માટે સરકાર પરિણામલક્ષી કામગીરી કરી રહી છે.

મંત્રીશ્રીએ ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ વર્ણવતા ઉમેર્યું હતું કે, સ્વચ્છતા અને આરોગ્યને સીધો સંબંધ છે ત્યારે આપણી આસપાસ ગંદકી ન ફેલાવી, સફાઈ કામ માત્ર ઘર પૂરતું ન રાખતા ઘરની સાથે સાથે શેરી, મહોલ્લા, ગામ અને શહેરને સધિયારા પ્રયાસો થકી સ્વચ્છ અને સુઘડ બનાવીએ. કુપોષિત બાળકો, માતાઓ, પ્રસુતાઓના આરોગ્યની ચિંતા સરકાર સુપેરે કરી રહી છે ત્યારે સરકારની સાથે સાથે સામાજિક આગેવાનો, આડોશ પાડોશના લોકોએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ.

આ તકે જિલ્લા વહીવટતંત્રની કામગીરીને બિરદાવી તમામ અધિકારીઓ, કર્મચારીઓને અભિનંદન પાઠવતા મંત્રીએ ઉમેર્યું હતું કે, ૨૦૪૭ સુધીમાં આપણે ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરી શકીએ તે માટે પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને ૧૦૦% લાભો પહોંચાડવા માટે સરકારનો નિર્ધાર છે ત્યારે વિકસિત ભારત યાત્રાનારથ થકી ઘર આંગણે લાભો મેળવી આ યાત્રામાં સહભાગી થવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, સરકાર નાગરિકોના આરોગ્યની પ્રાથમિક ચકાસણીની લઈને નિદાન, દવા, સારવાર સુધીનો તમામ ખર્ચ કરી રહી છે. કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી દરેક જન પ્રગતિ પામે તેવા શુભાશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી છેવાડાનાં માનવી સુધી લાભો પહોંચાડવા આવી રહ્યા છે ત્યારે પાત્રતા ધરાવતા નાગરીકોને લાભ મેળવી વિકસિત ભારતનાં નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી હતી.

કાર્યક્રમ સ્થળે સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા સ્ટોલ, હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સંવાદ સાથે સ્થળ નિરીક્ષણ મંત્રીશ્રી સાથે મહાનુભાવોએ કર્યું હતું. રાસાયણિક ખેતીથી થતાં જમીન પરના દુષ્પ્રભાવ જણાવી લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંદેશ પાઠવતી “ધરતી કહે પુકાર કે” નામક નૃત્ય નાટિકા રજૂ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ તથા ગામની સફળ મહિલા, સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીરને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. “મેરી કહાની, મેરી જુબાની” થીમ અન્વયે મિશન મંગલમ યોજના લાભાર્થી, આયુષ્માન કાર્ડના લાભાર્થીઓએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી ઉપસ્થિત સર્વેએ નિહાળી હતી. ઉપસ્થિત સૌ ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા શપથ ગ્રહણ કર્યા હતા.

દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થયા બાદ બાળાઓએ રજૂ કરેલા સ્વાગત ગીત બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કલેકટરશ્રી પ્રભવ જોશીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ મળેલી સિદ્ધિઓ રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી ચેતનભાઈ કથીરિયા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સરપંચશ્રી હિરલબેન સિંધવ, પૂર્વ સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના આગેવાનશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી નિશા ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. નિલેશ રાઠોડ, તાલુકા વિકાસ અધિકારીશ્રી વી.પી.ચૌહાણ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી જે. જી. પોપટ, ખેતીવાડી વિભાગ, બેંક, મહેસુલ, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, તલાટી મંત્રીશ્રી, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button