
તા.૨/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પ્રેમગઢના ગ્રામજનોએ મુખ્યમંત્રીશ્રીનો લાભાર્થીઓ સાથેનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ નિહાળ્યો
Rajkot, jetpur: રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાનાં પ્રેમગઢ અને રબારીકા ગામે યોજાયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના રથને ગ્રામજનોએ સામૈયાં અને કુમકુમ તિલક થકી ઉષ્માભર્યું સ્વાગત કરી હોંશભેર વધાવ્યો હતો.
કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચે તે હેતુસર ગામડે ગામડે ફરતા આ રથની ટીમના રથ નોડલ, ડ્રોન ટીમ, કેમ્પની ટીમ, ગ્રામ પંચાયતની ટીમ તથા લાભાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો, જેનું જીવંત પ્રસારણ પ્રેમગઢ ગામના ગ્રામજનોએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું

આરોગ્ય વિભાગ દ્વારા બંને ગામમાં નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થી, સ્થાનિક કલા કારીગર, રમતવીરને મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, સોઈલ હેલ્થ કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડ્રોન નિર્દશન દ્વારા ખેડુતોને દવા છંટકાવની નવી પદ્ધતિથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

“મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી, જન ધન યોજના, જલ જીવન મિશન, પીએમ કિશાન યોજના, ઓડીએફ પ્લસ એટલે કે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની ૧૦૦% કામગીરી થવા બદલ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા યથા યોગ્ય યોગદાન આપવા સંકલ્પ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતનાં સદસ્યશ્રીઓ, સરપંચશ્રી, ગ્રામ આગેવાનશ્રીઓ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. કુલદીપ સાપરીયા, રથ નોડલશ્રી કે. ડી. સખિયા, મહેસુલ વિભાગ, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, તલાટી મંત્રીશ્રી, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








