
તા.૨૯/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ ખાતે “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના” હેઠળ લાભ લેનાર લાભાર્થીઓના પરિવારજનોને વીમા કવચની રકમ ચુકવવામાં આવી હતી. જેમાં ૬ મહિના પહેલા મૃત્યુ પામેલા હકાભાઈ મકવાણાના પત્ની રેખાબેનને રૂપિયા ૧૦ લાખ અને મૃતક અંજુબેન ઘોયેલના પુત્ર દલસુખભાઈ ઘોયેલને રૂપિયા પાંચ લાખના વીમા કવચની રકમ ચુકવવામાં આવી હતી.

આ તકે કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ઈન્ડીયન પોસ્ટલ વિભાગની કલ્યાણકારી યોજનાઓ પ્રત્યેક ગામ, કુંટુંબ અને વ્યક્તિ સુધી પહોંચે તે માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યું છે. ત્યારે ઈન્ડીયન પોસ્ટલ વિભાગની “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના” શ્રમિકો અને તેના પરિવાર માટે કલ્યાણકારી સાબિત થઈ રહી છે. મને કહેતા ગર્વની લાગણી અનુભવાય છે કે, મૃતક હકાભાઈના પત્નીને ખ્યાલ પણ નહોતો કે તેમના પતિએ “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના”નો લાભ લીધો છે. પરંતુ પોસ્ટ વિભાગના અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓએ તેમના મૃત્યુની જાણ થતાં તેમના પરિજનોનો સામેથી સંપર્ક કરીને રૂપિયા ૧૦ લાખની સહાય માટે જરૂરી કાર્યવાહીમાં મદદ કરીને માત્ર ૧૫ દિવસમાં કરીને તેમને આ લાભ અપાવ્યો છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ભારતીય ટપાલ વિભાગ શ્રમિકો અને સામાન્ય નાગરીકોને પરવડે તેવી યોજના બનાવીએ તે માટે પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર સાથે કામ કરી રહ્યું છે. ૮ જુલાઈ ૨૦૨૨ના રોજ ખેડા જિલ્લામાં પાયલોટ ધોરણે શરૂ થયેલી “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના”ના ૪૮ દિવસમાં જ આશરે એક લાખથી વધુ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો હતો. આજે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ૩,૮૬,૦૬૩ અને રાજકોટ ડિવિઝનમાં ૨૦,૧૫૨ લોકો આ યોજના સાથે જોડાયેલા છે. પોસ્ટ વિભાગ આવનાર સમયમાં પણ વધુને વધુ નાગરીકોને આ યોજના હેઠળ જોડવા માટે પુરી નિષ્ઠાથી કામગીરી કરશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ તકે કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ૬ મહિના પહેલા મૃત્યુ પામેલા હકાભાઈ મકવાણાના પત્નિ રેખાબેનને રૂપિયા ૧૦ લાખ અને મૃતક અંજુબેન ઘોયેલના પુત્ર દલસુખભાઈ ઘોયેલને રૂપિયા પાંચ લાખના વીમા કવચની રકમ ચુકવવામાં આવી હતી. તેમજ સહાનુભૂતિ દર્શાવીને તલસ્પર્શી સંવાદ કર્યો હતો. તેમજ મંત્રીશ્રીએ લાભાર્થીને શ્રેષ્ઠ સેવા આપવા બદલ ભાવનગર બ્રાન્ચના મેનેજરશ્રી વિશ્વેશ કુમારની કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.
નોંધનીય છે કે, પોસ્ટ વિભાગ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા શ્રમિકો માટે ખાસ તેમને આર્થિક રીતે પોષાય તેવી અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના ગત તા. ૦૮ જુલાઈ, ૨૦૨૩ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં માત્ર રૂ. ૨૮૯ના વાર્ષિક પ્રીમિયમમાં રૂ. ૦૫ લાખ તેમજ રૂ. ૪૯૯ના વાર્ષિક પ્રીમિયમમાં રૂ. ૧૦ લાખના વીમા કવચમાં દુર્ઘટનાથી મૃત્યુ માટે, કાયમી દિવ્યાંગતા, આંશીક દિવ્યાંગતા, આકસ્મીક હોસ્પિટલ ખર્ચ, અંતિમ સંસ્કાર વિધી, પાર્થિવ દેહનું પરિવહન, મૃતકના બે બાળકોને શિક્ષણના લાભ સહિતની સહાય શ્રમિકોને ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીઓના સહયોગથી આપવામાં આવે છે.
આ અવસરે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી, પોસ્ટ માસ્ટર જનરલશ્રી બી.એલ.સોનલ, આસિસ્ટન્ટ જનરલ મેનેજરશ્રી આઈ.પી.પી.બી., ગુજરાત અને મહારાષ્ટ્રના સર્કલ હેડશ્રી ડો. રાજીવ અવસ્થી, સીનિયર સુપ્રિટેન્ડન્ટશ્રી પિષુષ રજાક સહિતના પોસ્ટ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








