
મોરબીના શિક્ષક વક્તૃત્વ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ
સાર્થક વિદ્યામંદિરના આચાર્ય રાહુલભાઈ ઝીંઝુવાડીયાએ આ વર્ષે રાજય કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં બે વખત પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા બાદ તાજેતરમાં જ રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રથમ નંબરનો એવોર્ડ પ્રાપ્ત કર્યો. તારીખ 17/12/2023 ના રોજ આગ્રામાં આયોજિત NATIONAL YOUTH ICON AWARD-2023 માં વકૃત્વ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં બે વખત પ્રથમ સ્થાન મેળવવા બદલ રાષ્ટ્રીય કક્ષાએ પણ તેમનું પ્રથમ નંબરે સન્માન કરવામાં આવ્યું .આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો, મહેમાનો અને અધિકારીઓએ રાહુલભાઈના ગુજરાત ની ધરતી પ્રત્યેના પ્રેમ અને આત્મવિશ્વાસ બદલ સમગ્ર ગુજરાતને અનંતગણા અભીનંદન પાઠવ્યા છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશ અને રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત કાર્ય કરવા બદલ રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ “ઇન્ડિયન યુથ આઇકોન એવોર્ડ 2023″નું સફળતાપૂર્વક આયોજન આગ્રાની અંદર શિલ્પગ્રામ સ્થિત હોટલમાં કરવામાં આવ્યું હતું, જેમાં યુનિયન રાજ્ય મંત્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર, પ્રોફેસર એસ.પી. સિંહ બઘેલ મુખ્ય અતિથિ તરીકે અને યુથ સ્પોર્ટ્સ ફેડરેશનના રાષ્ટ્રીય સચિવ શ્રી સંતોષ સિંહ તરેટિયા તેમજ લેન્ડ ડેવલપમેન્ટ બેંકના ડિરેક્ટરો શ્રી શ્યામ ભદોરિયા અને શ્રી. અતિથિ વિશેષ તરીકે સુશાંત સિંઘલ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમના આયોજન અંતર્ગત દરેક ક્ષેત્રમાંથી પસંદ કરાયેલા સહભાગીઓને તેમના કાર્ય માટે ઉચ્ચતમ સફળતા મેળવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતાં.જેની અંદર વકતૃત્વ સ્પર્ધા અંગેના નોમિનેશન માથી રાહુલભાઈ ઝીંઝુવાડીયાની પસંદગી કરીને ગુજરાત રાજયમાં આ વર્ષે બે વખત પ્રથમ આવવા બદલ નેશનલ કક્ષાનો એવોર્ડ એનાયત કરીને તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
હાલ રાહુલભાઈ ઝીંઝુવાડીયા સાર્થક વિદ્યામંદિર ખાતે પોતાની શિક્ષણ સેવા આપી રહ્યા છે. રાહુલભાઈના આ પ્રયત્નોમાં તેમના પિતા,ભાઈ , કુટુંબીજનો અને સમગ્ર શાળા પરિવાર તરફથી ઉત્તમ સાથ- સહકાર મળી રહ્યો છે.
આ તકે તેમના પરિવાર,શાળાના સંચાલક શ્રી કિશોરભાઈ શુકલ, વાલીઓ અને ખાસ વિદ્યાર્થીઓ તરફથી અનેકગણી શુભકામનાઓ મળી રહી છે ત્યારે આવનારા નવા વર્ષમાં રાહુલભાઈ એ આટલો પ્રેમ આપવા બદલ સૌ કોઈનો સુહદયભાવ સાથે અનંતગણો આભાર વ્યકત કર્યો છે.








