અમેરિકાએ ઈરાકમાં ત્રણ સ્થળો પર હવાઈ હુમલા કર્યા, વિશ્વમાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ?

ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલા વચ્ચે અમેરિકાએ પણ ક્રિસમસના અવસર પર એક નવો મોરચો ખોલ્યો છે. અમેરિકાએ ઈરાકમાં ઈરાનના સૈન્ય ઠેકાણાને હવાઈ હુમલા દ્વારા નિશાન પર લીધા છે. અમેરિકાએ ઈરાકમાં ત્રણ સ્થળો પર હવાઈ હુમલા કર્યા છે. આ સ્થળોનો ઉપયોગ ઈરાન સમર્થક ફોર્સ કરી રહી હતી. તેમાંથી એક ઠેકાણા પર હિઝબુલ્લાહના લડાકુ પણ એકઠા થયેલા હતા. આ પહેલા અમેરિકી સૈનિકોને નિશાન બનાવતા હુમલા કરવામાં હતા. આ હુમલામાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. તેનો જ બદલો લેતા અમેરિકાએ આ કાર્યવાહી કરી છે. આ હુમલા અંગે અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને કહ્યુ કે, આ જરૂરી અને યોગ્ય કાર્યવાહી હતી.
ઓસ્ટિને X પર હુમલા વિશે માહિતી આપતા લખ્યું કે, જો બાઈડેનના આદેશ પર અમેરિકાએ ઈરાકમાં હિઝબુલ્લાહ અને તેની સાથે જોડાયેલા જૂથોના ત્રણ ઠેકાણા પર હુમલા કર્યા છે. ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠનોએ તાજેતરમાં ઈરાક અને સીરિયામાં અમેરિકાના ઠેકાણા પર હુમલા કર્યા હતા. આ હુમલાઓ તેનો જ જવાબ છે. તે હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા જેમાંથી એકની હાલત ગંભીર છે. ઓસ્ટિને કહ્યું કે મારી પ્રાર્થના બહાદુર અમેરિકન સૈનિકો સાથે છે જેઓ આજે ગંભીર રીતે ઘાયલ થયા છે.
તેમણે કહ્યું કે, અમેરિકન હિતોની રક્ષા માટે જો બાઈડેન સરકાર એક ઈંચ પણ પાછળ નહીં હટશે અને કોઈપણ કાર્યવાહી કરવાથી પણ પાછળ નહીં હટશે. નિવેદનમાં કહ્યું કે, હું એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે, અમેરિકન સૈનિકો અને દેશના હિત માટે રાષ્ટ્રપતિ જો બાઈડેન અને હું જરૂરી કાર્યવાહી કરવામાં અચકાઈશું નહીં. આનાથી વધુ અમારી કોઈ પ્રાથમિકતા નથી. અમે યુદ્ધ નથી ઈચ્છતા પરંતુ પોતાના બચાવમાં જરૂર આવીશું. કતૈબ હિઝબુલ્લાહ એક શિયા ઉગ્રવાદી સંગઠન છે. તેની સ્થાપના 2007માં થઈ હતી. માનવામાં આવે છે કે આની પાછળ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સનો હાથ છે.
અમેરિકાએ અરબિલ એર બેઝ પર હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. અમેરિકાએ કહ્યું કે ઈરાને હમાસને તાલીમ આપી છે અને તેના ઘણા જૂથોને મધ્ય પૂર્વમાં અલગ-અલગ સ્થળોએ તૈનાત કર્યા છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે થોડા સમય પહેલા યુદ્ધની શરૂઆત થઈ છે, જો કે હજુ સુધીમાં 20000થી વધારેના આ યુદ્ધમાં મોત થઈ ચુક્યા છે, ત્યારે ઈઝરાયેલ મિશન ગાઝા સફાઈ ચાલુ કર્યું છે, શનિવારના રોજ ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 70થી વધારેના મોતના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહી હોય તેમ ચોક્કસ કહી શકાય છે.
જો કે રશિયા યુક્રેન યુદ્ધ વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહ્યું છે, યુક્રેન પોતાની બઘી તાકાત લગાડીને રશિયાનો સામેનો કરી રહ્યું છે, ત્યારે રશિયા પર યુક્રેનને છોડવા માગતુ નથી, હવે આ યુદ્ધ કેટલા સમય ચાલે તે જોવાનું રહ્યું છે, વિશ્વમાં હાલ ઈઝરાયેલ હમાસ અને રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, હવે જો ઈરાન અમેરિકા પર હુમલો કરશે તો દુનિયામાં ત્રીજુ યુદ્ધ અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થશે, જો અમેરિકા યુદ્ધમાં ઉતરશે તો વિશ્વની મહાન શક્તિઓ પણ યુદ્ધમાં ઉતરવા મજબૂર થઈ જશે અને વર્લ્ડ વોર શરૂ થવાના આ એંધાણ હોઈ શકે છે.










