
તા.૧૯/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આકસ્મિક બનાવ અંગેની મોકડ્રીલ યોજાઈ
Rajkot, jetpur: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરનાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા એક કારખાનામાં આગ લાગવાની જાણ થતાં વિના વિલંબે ફાયર વિભાગની ટીમ, એમ્બ્યુલન્સ સાથે આરોગ્યની ટીમ જરૂરી સાધન સામગ્રી સાથે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લઈ પરિસ્થિતિ સાંભળી લીધી હતી.

જયંતિભાઈ રામોલિયાના કારખાનામાં આગ લાગતાં ફસાયેલા માણસોને સત્વરે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત માણસોને આરોગ્ય વિભાગ દ્વારા સ્પોટ સારવાર પૂરી પાડવામાં આવી હતી. વધુ ઈજા પામેલા માણસોને નજીકની ખાનગી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફત ખસેડવામાં આવ્યા હતા,જ્યાં યોગ્ય સારવાર અપાઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ વધુ નુકશાન થાય તે પહેલાં જ ગણતરીની મિનીટોમાં આગને કાબૂમાં લઈ લીધી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગે પણ સત્વરે પહોંચી બંદોબસ્ત ગોઠવ્યો હતો.

જેતપુર તાલુકા વહીવટી તંત્ર વતી ચીફ ઓફિસરશ્રી એ.કે.ગઢવી, નાયબ મામલતદારશ્રી જે.જી. સેંજરીયા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. કુલદીપ સાપરીયા, ડ્રાઈવર કમ મિકેનિકશ્રી એસ.બી.મોરી, નવાગઢ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના જવાનો, ગોંડલ ફાયર બ્રિગેડ જવાનો તેમજ તાલુકા વહીવટી તંત્રના સંબધિત વિભાગોના અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા હાથ ધરાયેલ રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થતા આ સમગ્ર ઘટનાને મોકડ્રિલ દર્શાવી હતી.

કલેક્ટરશ્રી પ્રભવ જોશીની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના તાલુકામાં આવેલ વિવિધ જાહેર સ્થળોએ આગ/ ગેસ લીકેજ/શોટ સર્કીટ/ભાગદોડમાં થતાં અકસ્માત/અન્ય આકસ્મિક અકસ્માતો જેવી દુર્ઘટના સર્જાય ત્યારે લેવાના થતા તાકીદના પગલા અને લોકોની સર્તકતા તેમજ તંત્ર દ્વારા આ પરિસ્થિતિને પહોચી વળવાની ક્ષમતાની ચકાસણી માટે સમયાંતરે મોકડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે જેતપુર ખાતે યોજાયેલી મોકડ્રીલમાં સમય વેડફ્યા વિના રેસ્ક્યુ ટીમ દ્વારા જરૂરી સમય કરતાં પહેલાં લોકોના બચાવની સુદ્રઢ કામગીરી કરવા બદલ ઉપસ્થિત ટીમની કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા. આ મોકડ્રીલમાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, નગરપાલિકા ફાયર વિભાગ ટીમ, ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમ ઉપસ્થિત રહી હતી.








