RAMESH SAVANI

RAMESH SAVANI : ઉપજના ભાવ આવતા નથી છતાં ખેડૂતોની આંખો કેમ ખૂલતી નથી?

2014માં મણ કપાસનો ભાવ 1400 રુપિયા હતો; 2023માં પણ કપાસનો ભાવ 1400 રુપિયા છે ! ખેડૂતોને 2,000 રૂપિયા પ્રતિ મણ જેટલો ભાવ મળવાની આશા હતી, તે તૂટી ગઈ છે.
14 ડીસેમ્બર 2023ના રોજ ગોંડલ, મહુવા, વિસાવદરમાં ખેડૂતોએ ડુંગળીના પુરતા ભાવ નહીં મળતા હાઈવે પર ડુંગળીના ઢગલા કરીને ચક્કાજામ કર્યો હતો ! ડુંગળીની નિકાસબંધીના કારણે ભાવો ગગડી ગયા છે !
2014 પછી ફર્ટિલાઈઝર/ જંતુનાશક દવાઓ/ ડીઝલ વગેરેમાં ધરખમ વધારો થયો છતાં સત્તાપક્ષના 156 ધારાસભ્યોમાંથી એક પણ સભ્યએ એવું કહ્યુ નથી કે ‘ખેતીમાં ખર્ચો વધી ગયો છે. ભાવો મળતા નથી. આ ભાવમાં તો નુકસાની ઝાઝી છે. ધિરાણનાં નાણાં પણ ચૂકવવાનાં છે. પૈસાની જરૂર છે એટલે ખેડૂતને મજબૂરીમાં ઓછા ભાવમાં કપાસ કાઢવાની ફરજ પડે છે ! ડુંગળી રસ્તા પર ફેંકવાની સ્થિતિ થઈ છે !’
ખેડૂતોને સરકાર છેતરે છે એવું નથી. નકલી બિયારણ વાળા/ નકલી જંતુનાશક દવાવાળા છેતરે છે. વીઘે 40 મણ કપાસ થશે, ગુલાબી ઈયળ લાગશે નહીં, એમ કહીને બિયારણ વેચનારા હતા, પણ કપાસ સુકાઈ ગયો ! કપાસમાં ગુલાબી ઇયળોનો ત્રાસ તો ખેડૂતો ખમી ખાશે પણ ગુલાબી વાતો કરતાં નેતાઓ ગુલાબી ઈયળ કરતાં વધુ નુકસાનકર્તા છે ! કિસાન આંદોલન વેળાએ વડાપ્રધાને MSP-મિનિમમ સપોર્ટ પ્રાઈસની ખાત્રી આપી હતી. તેનો અમલ હજુ સુધી થયો નથી ! ડીઝલના ભાવ વધ્યા, બિયારણના ભાવ વધ્યા, ફર્ટિલાઈઝર અને જંતુનાશક દવાઓના ભાવ વધ્યા એટલે ઉપજના ભાવ વધવા જોઈએ, આટલી સાદી સમજ સરકારને નથી ! ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ કોણ જાણે ક્યો નશો કરતા હશે તેની ખબર નથી પરંતુ તે કહે છે : “ખેડૂતોને હાલ જે ભાવો મળી રહ્યા છે તે પોષણક્ષમ છે જ. ભલે ઝાઝા નફાકારક ભાવ ન હોય પરંતુ ભૂતકાળમાં ન મળ્યા હોય તેટલા ભાવો તો તેમને મળી જ રહ્યા છે !”
સરકાર ખેડૂતોને અઢળક સહાય/સબસિડી આપે છે, એવી જાહેરાતોના પૂરના કારણે શહેરમાં વસતા બિન ખેડૂતો એવું માને છે કે સરકાર ખેડૂતોને બહુ છાવરે છે ! પરંતુ વાસ્તવિકતા જુદી છે. ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા કહે છે : “ડુંગળીમાં એક કિલોએ 1-2 રૂપિયા સબસિડી આપવાની સરકારે જાહેરાત કરી હતી કેટલા ખેડૂતોને આ સહાય આપી તેના નામ જાહેર કરો ! ચાર વર્ષમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત કોઈ ખેડૂતને એક રૂપિયાની સહાય આપી હોય તો એ ખેડૂતનું નામ સરકાર જાહેર કરે ! સરકારની જાહેરાતો વિચિત્ર હોય છે. પૂરમાં તણાઈ ગયેલા પશુનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ સરકાર માંગે છે ! દરીયામાં જઈ પશુને શોધવું, તેને ડોક્ટર પાસે લઈ જઈ પોસ્ટમોર્ટમ કરાવીએ તો સહાય મળે !”
મારું અનુમાન હતું કે 2024માં લોકસભાની ચૂંટણી છે એટલે કપાસ/ ડુંગળી વગેરે ઉપજના ભાવો જળવાશે ! હું ખોટો પડ્યો.
સત્તાપક્ષ પાસે મતો ખંખેરવાની જાદૂઈ લાકડી છે. એટલું નક્કી છે કે ખેડૂતો કપરી મુશ્કેલીઓમાં ફસાયેલાં છે છતાં પણ તેમની આંખો ભીડાયેલી જ રહે તે માટે નકલી ધર્મવાદ-રાષ્ટ્રવાદનો ઉચ્ચ કક્ષાનો ડોઝ મીડિયા જરુર આપશે !rs

[wptube id="1252022"]
Back to top button