
તા.૧૮/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: હિરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એરોડ્રોમ કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં એન્ટી હાઇજેકીંગ કમિટીની બેઠક યોજાઇ હતી, જેમાં પ્લેન હાઇજેક થવાની પરિસ્થિતિમાં વિવિધ વિભાગની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નાગરિક ઉડ્ડયન વિભાગની માર્ગદર્શિકા મુજબ સેન્ટ્રલ કમિટી અને એરોડ્રોમ કમિટીની સંકલિત કામગીરી અંગે ચીફ સિક્યુરિટી ઓફિસરશ્રી અમિત કુમારે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આ માહિતી પૂરી પાડી હતી.
પ્લેન હાઈજેકિંગ પરિસ્થિતિમાં એરોડ્રોમ કમિટી અંતર્ગત જિલ્લા વહીવટી પ્રશાસન સાથે પોલીસ વિભાગ, એરપોર્ટ સિક્યુરિટી વિભાગ વગેરે સાથે સંકલનમાં રહી પરિસ્થિતિ અનુસાર પેસેન્જરની સુરક્ષા, કમ્યુનિકેશન, લો એન્ડ ઓર્ડર જાળવણી, ડોક્ટર, બ્લડ બેન્ક, હોસ્પિટલની સુવિધાઓ, ફૂડ પેકેટ, ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સની સુવિધાઓ સહીત મીડિયા બ્રિફિંગ અંગે જે સંબંધિત વિભાગોની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી હતી.

આગામી સપ્તાહમાં પ્લેન હાઈજેકિંગ અંગે મોકડ્રિલ પણ યોજવામાં આવશે તેમ ચીફ સિક્યુરિટી ઓફિસરે જણાવ્યું હતું.
આ બેઠકમાં એરપોર્ટ ઓથોરિટીના ડિરેક્ટર દિગંત બોહરા, સી.આઈ.એસ.એફ. ના ચીફ સિક્યુરિટી ઓફિસર તારાચંદ, સી.એન.એસ. ના એ.જી.એમ. પ્રશાંત કુમાર, એરપોર્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી જી.એસ.ગામીત, ફાયર અને ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીશ્રીઓ, એરલાઈન્સના મેનેજરશ્રી સહીત કમિટીના અન્ય વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








