
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ઘૃણાસ્પદ ઘટના ઘટી છે. ઉપલેટા પંથકના લાઠ ગામે રહેતી માતા વિહોણી સગીરા પર છેલ્લા સાત સાત માસથી નરાધમ બાપ દુષ્કર્મ આચરતો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે ત્યારે પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી બાપ-દિકરીનું મેડીકલ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘૃણાસ્પદ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટાના લાઠ ગામે રહેતી 17 વર્ષની સગીરાએ પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે બીજુ કોઈ નહીં પરંતુ પોતાના જ સગા બાપનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સગીરા ત્રણ વર્ષીની હતી ત્યારે જ તેની માતાનું અવસાન થયું હતું અને ત્યારથી પિતા સાથે રહેતી હતી. થોડા સમય પહેલા પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા પરંતુ ઓરમાન માતા પણ થોડો સમય પિતા સાથે રહ્યા બાદ પિતાને તરછોડી માવતરે જતી રહી હતી.
પ્રથમ પત્નીનું અવસાન થયા બાદ બીજી પત્ની પણ તરછોડીને જતી રહેતા શેતાન બનેલા બાપે પોતાની જ સગીર પુત્રી પર નજર બગાડી હતી. સાત માસ પહેલા સગીર પુત્રીની એકલતાનો લાભ લઈ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું.
બાપની હેવાનિયતનો શિકાર બનેલી સગીરાએ આબરુ જવાની બીકે કોઈને કહ્યું નહોતું, તેના કારણે બાપની હિંમત વધી ગઈ હતી અને છેલ્લા સાત માસથી અનેક વખત પોતાની જ સગીર પુત્રીની આબરુ લુંટી હતી. પિતાના અમાનુષી ત્રાસથી કંટાળીને અંતે સગીરાએ પોલીસની મદદ લીધી હતી અને પાટણવાવના પીએસઆઈ ચાવડા સમક્ષ પોતાની આપવિતી વર્ણવી હતી.
17 વર્ષની સગીરાની કરમકઠણાઈ સાંભળીને પોલીસ પણ અવાક બની ગઈ હતી. સગીરાની ફરિયાદ પરથી નરાધમ બાપ સામે POSCO અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જ્યારે આજે સવારે પિતા અને પુત્રીનું મેડીકલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવે ઉપલેટા પંથકમાં ભારે ચકચાર જગાવી છે અને નરાધમ બાપ ઉપર લોકો ફીટકાર વરસાવી રહ્યાં છે.









