
તા.૧/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં વાળાધરી અને નાના મહિકા ગામે પહોંચેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી ગામે – ગામ પહોંચાડતા રથના વધામણા બાળાઓએ માથે સામૈયા લઈ કંકુ-ચોખાથી કર્યા હતા.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ, ટીબી સ્ક્રીનીંગ પણ કરી આપવામાં આવ્યું હતું. “મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ યોજના સહિત જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કરી સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

બાળાઓએ “ધરતી કહે પુકાર કે” નામક નૃત્ય નાટિકા રજૂ કરી રસાયણથી થતી ખેતીના જમીન પરના દુષ્પ્રભાવ જણાવી લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંદેશ પાઠવ્યો હતો. આરોગ્ય, ખેતીવાડી, આંગણવાડી, આયુષ્માન સહિતના વિભાગનાં સ્ટોલ દ્વારા પ્રજાકીય યોજનાઓની લોકોને જાણકારી આપવામાં આવી હતી. વિકસિત ભારત માટે ગ્રામજનોએ સંકલ્પબદ્ધ થઈ શપથ ગ્રહણ કર્યા હતા.

આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, સોઈલ હેલ્થ કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અન્વયે લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાળાધરી અને નાના મહિકાના ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી લાભાર્થીઓને મળેલા કલ્યાણકારી લાભો અંગે શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી.
આ કાર્યક્રમમાં ગામનાં સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, તાલુકા પંચાયત – ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, વિસ્તરણ અધિકારીશ્રી કે.એન.ગોહેલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ ભરડવા, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ. વિભાગ સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








