GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનામાં આયુર્વેદ સારવાર મેળવી સ્વસ્થ થતા ૨૯,૨૫૭ દર્દીઓ

તા.૯/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : માર્ગી મહેતા

આયુષ તંત્ર દ્વારા આયુષ મેળા, આયુર્વેદ જાગૃતિ કાર્યક્રમો, ઉકાળા વિતરણ કેમ્પ સહીત જન આરોગ્યની કામગીરી સુપેરે કરાઈ

Rajkot: આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ એ ભારતની મૂળભૂત અને પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. જેનો મુખ્ય હેતુ ઔષધિઓ અને પ્રાકૃતિક વસ્તુઓથી લોકોને સ્વસ્થ રાખવા અને બીમાર પડે તો તેની સારવાર કરવાનો છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ મુજબ દિનચર્યા અને ઋતુચર્યાના સિદ્ધાંતોનું પાલન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઋતુજન્ય તથા જીવન શૈલીજન્ય રોગો સામે રક્ષણ મળે છે. આયુર્વેદ એ ધન્વંતરી જેવા અનેક ઋષિમુનીઓ અને વૈજ્ઞાનિકોના સંશોધન અને અનુભવથી રચાયેલી ચિકિત્સા પદ્ધતિ છે.

આયુર્વેદ જેવી ઉમદા ચિકિત્સા પદ્ધતિના પ્રણેતા એવા ધન્વંતરી દેવની જન્મજયંતી આસો વદ તેરસ એટલે કે ધન તેરસના દિવસે છે. જનતાને ભારતીય ધરોહર સમાન આયુર્વેદ તરફ પાછા વાળવાના ઉદેશથી દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ દૂરંદેશી દાખવીને ધન્વંતરી જયંતીને કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય અંતર્ગત ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ જાહેર કર્યો છે. આ વર્ષે ‘‘હર દિન હર કિસી કે લીયે આયુર્વેદ, આયુર્વેદ ફોર વન હેલ્થ’’ થીમ આધારિત રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેજા હેઠળ રાજ્ય સરકાર આયુર્વેદ ચિકિત્સાને જન-જન સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે ‘આયુષ’નો અર્થ A-આયુર્વેદ, Y-યોગ, U-યુનાની, S-સિદ્ધા, H-હોમીયોપેથી થાય છે.

રાજકોટની સરકારી આયુર્વેદ હોસ્પિટલના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. સુનિલ હાપલિયા જણાવે છે કે સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં આમવાત, સંધિવાત, કરોડરજ્જુના મણકા, થાપના સાંધાનો ઘસારો, સોરીયાસીસ, ખરજવું, ધાધર, ખરતા વાળ, ગેસ, એસીડીટી, કબજિયાત, માથાનો દુઃખાવો, વિવિધ એલર્જી સહિતની બીમારીઓ તેમજ સ્ત્રી રોગો તથા બાળ રોગોની તેમજ દર્દીની જરૂરિયાત મુજબ પંચકર્મ સારવાર આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-‘૨૩ દરમિયાન ૪૦,૭૬૨ દર્દીઓએ તેમજ એપ્રિલથી ઓક્ટોબર, ૨૦૨૩ સુધી ૨૯,૨૫૭ દર્દીઓએ આયુર્વેદ સારવારનો લાભ મેળવ્યો હતો.

વધુમાં, તેમણે કહ્યું હતું કે આ હોસ્પિટલ ખાતે કાર્યરત આયુષ વેલનેસ સેન્ટરમાં વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો કરવાના આશયથી દૈનિક નિયમિત રીતે યોગ કરાવવામાં આવે છે. જેમાં દરરોજ સવારે અંદાજે ૧૦૦થી વધુ લોકો જોડાય છે. તેમજ અહીં ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરમાં દર્દીઓને તપાસી યોગ ચિકિત્સાથી સારવાર આપવામાં આવે છે.

રાજકોટ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. ભાનુભાઈ મેતાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં આયુષ મેળા, આયુર્વેદ જાગૃતિ કાર્યક્રમો, આયુર્વેદિક દવાઓનો પ્રચાર, ઉકાળા વિતરણ કેમ્પ સહીત જન આરોગ્ય અર્થે વિવિધ કામગીરી સુપેરે કરાઈ રહી છે. એપ્રિલથી સપ્ટેમ્બર માસ દરમિયાન ૯૮,૬૪૮ ઓ.પી.ડી., ૧૦,૧૭૫ સંસમની વટી, ૫૩૫૭ આર્સેનિક આલ્બ તથા ૧,૫૩,૪૬૭ લોકોએ અમૃતપેય ઉકાળા વિતરણનો લાભ લીધો હતો. તેમજ ૧૦૩ નિદાન કેમ્પમાં ૬૧૨૮, ૫૪૯ હેલ્થ અવેરનેસ કેમ્પમાં ૮૯૯૩, ૭૮૨ યોગ શિબિરમાં ૧૮,૫૮૨ લોકો જોડાયા હતા. ૪૧૬ જેટલી આંગણવાડીઓ તથા ૨૧૨ શાળાઓની મુલાકાત દરમિયાન અનુક્રમે ૫૪૩૧ તથા ૧૪,૨૬૯ બાળકોની આરોગ્ય તપાસણી કરી નિદાન-સારવારની સેવા અપાઈ હતી. આ સાથે વિવિધ કાર્યક્રમો અને કેમ્પ દરમિયાન આયુર્વેદ અંગે જનજાગૃતિ ફેલાવવા કુલ ૪૯,૩૩૨ I.E.C. (ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન) પત્રિકાઓનું વિતરણ કરાયું હતું.

તેમણે ઉમેર્યું હતું કે કોરોના વાયરસના રોગચાળાને લીધે દુનિયાભરમાં આયુર્વેદનું મહત્વ વધ્યું છે. રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવા તથા ટકાવી રાખવા માટે આયુર્વેદ પ્રમાણિત દેશી ઔષધી ઉપયોગી બને છે. તેથી, લોકો અન્ય ચિકિત્સા પદ્ધતિના વિકલ્પે આયુર્વેદને અપનાવવાના બદલે રોજિંદી જીવન શૈલીમાં આયુર્વેદને સ્થાન આપે, તે આવશ્યક છે. ત્યારે રાજકોટમાં વધુમાં વધુ લોકો આયુર્વેદ ચિકિત્સાથી સારવાર કરાવે, તેવો અનુરોધ છે.

[wptube id="1252022"]
Back to top button