
તા.૮/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગના ૬૦ છાત્રોને માહિતી ખાતાના અધિકારી દ્વારા અપાયું માર્ગદર્શન
Rajkot: આ દિવાળી પર નાના વેપારીઓ-કારીગરોના પરિશ્રમને અજવાળવા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની “વોકલ ફોર લોકલ”ની અપીલને પગલે, ગુજરાત સરકારે “પરિશ્રમને અજવાળીએ” અભિયાનની વિશેષ પહેલ કરી છે. જે અંતર્ગત સોશિયલ મીડિયા રીલ્સ – વીડિયો સ્પર્ધા શરૂ કરી છે. જે મુજબ, નાના કારીગરો-સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગારને પ્રોત્સાહન મળે તેવી રિલ્સ બનાવીને તેમને મદદરૂપ થવા તથા તેમજ તેઓના પરિશ્રમને અજવાળવાના અભિયાનમાં જોડાવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગના વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું.

આ દિવાળી પર “વોકલ ફોર લોકલ”નો મંત્ર અપનાવીને આ યોજના અંતર્ગત નાના કારીગરો-સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગારને વેગ મળે તે માટે સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેશ મોડાસિયાએ આપેલી સૂચના તથા નાયબ માહિતી નિયામકશ્રી પ્રશાંત ત્રિવેદીના માર્ગદર્શન મુજબ, રાજકોટ માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક કુ. પ્રિયંકા પરમાર તથા સહાયક માહિતી નિયામક (ઈ.)શ્રી સંદીપ કાનાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગની મુલાકાત લીધી હતી. જેમાં વિભાગના ૬૦ વિદ્યાર્થીઓને “વોકલ ફોર લોકલ” અભિયાન અંગે જાગૃત કરી, નાના કારીગરો-વેપારીઓને મદદરૂપ થવા રીલ્સ બનાવવા પ્રેરણા તથા માર્ગદર્શન આપ્યું હતું. આ તકે સમાજકાર્ય વિભાગના વડા ડો. રાજેશ દવેએ પણ વિદ્યાર્થીઓને આ અભિયાનમાં જોડાઈને એક વિદ્યાર્થી તરીકેની સામાજિક નિસબત અદા કરવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓને પણ આ અભિયાનમાં જોડાવા પ્રેરણા અપાઈ હતી.

મહત્વનું છે કે, “વોકલ ફોર લોકલ”ના મંત્રને સાર્થક કરવા ગુજરાત સરકાર દ્વારા “પરિશ્રમને અજવાળીએ” વિષયક સ્પર્ધા શરૂ કરી છે. જેમાં નાગરિકો, વેપારી, કારીગર, ગ્રાહક, વિદ્યાર્થી કોઈપણ ભાગ લઈ શકે છે. ભાગ લેનારે નાના-મધ્યમ વેપારીઓના વેપારને પ્રોત્સાહન મળે તેવી રીલ/ વીડિયો બનાવવાની રહેશે અને વીડિયોને સોશિયલ મીડિયા માધ્યમ પર પોસ્ટ કરવાનો રહેશે. ઉપરાંત @InfoGujaratને ટેગ કરવાનો રહેશે. પસંદગીના ૩૩ જેટલા સ્પર્ધકોને રૂપિયા ૫૦ હજારના પ્રોત્સાહક ઈનામો પણ અપાશે. તહેવારોના દિવસો દરમિયાન સ્પર્ધામાં સહભાગી બનીએ અને સ્થાનિક ઉત્પાદનોને દીપાવીએ.








